દુહા

સપના વાદળ ઝાપટું, ધુમ્મસ વરસી આંખ
સુક્કી સરવર આંગળી, પીંછા વગરની પાંખ

દરિયો થઈ ગઇ પાંસળી, હોડી ડુબ ડુબ માંહ્ય
થીજી ગયેલ વાત પર, ઓગળતી રહી લાહ્ય

રમણે ચડતા રોડ પર, મનગમતું છે મીત
હરખ હવામાં ઉમટે, ઉડવાની છે રીત

દર્પણ દુરતા દાખવે, દુખના દાડા લોંગ
મૌન ભરેલા પર્વ પર, કંપોઝ્ કરવુ સોંગ

ખળખળ વ્હેતી રાતને, સ્પર્શે રજકણ વેશ
ખોતરતાં દિનરાત સૌ,હોવાપણાની શેષ

- નરેશ સોલંકી

Comments (2)

ચાલ્યા કર્યું

એમ મેં એ જણ તરફ ચાલ્યા કર્યું,
ને છલકતી ક્ષણ તરફ ચાલ્યા કર્યું.

બીંબ સાચું ભૂંસવાની લ્હાયમાં,
અંધ એ દર્પણ તરફ ચાલ્યા કર્યું.

સત્ય સમજાઈ ગયું તે બાદ પણ ,
એમના આંગણ તરફ ચાલ્યા કર્યું. !

ચાહવાની ક્ષણ લઈ ઊભા હતા ,
ને તમે કારણ તરફ ચાલ્યા કર્યું.

જિંદગીભર બંધ રાખી આંખને,
મેં સતત ભવરણ તરફ ચાલ્યા કર્યું.

- પીયૂષ પરમાર

Comments (5)

જળમાં રહું છું

સદીમાં રહું છું ને પળમાં રહું છું,
અરે, એટલે કે સકળમાં રહું છું.

પ્રગટ થઇ જવામાં નથી માલ તેથી,
કરું કામ ચુપચાપ તળમાં રહું છું.

જગાડો મને કાંકરી થઇને આવો,
યુગોથી અહીં શાંત જળમાં રહું છું.

બધે એકસરખું વલણ દાખવીને,
વમળમાં રહું છું, કમળમાં રહું છું.

મને અવગણીને જીવી ના શકાતું,
હું ચહેરાના એક્કેક સળમાં રહું છું.

ખુમારી કહો કે કહો હોંશિયારી,
કહી દો ભલે ને કે, વળમાં રહું છું.

- પારુલ ખખ્ખર

Comments (11)

ગોઠવી નાખો

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો,
રહે જો દ્રશ્ય એનું એ જ તો બારી નવી નાખો.

તમારા ઘરમાં બે અજવાશ પણ અથડાય છે કાયમ,
તમે ચ્હેરાને ઢાંકો કાં તો બત્તી ઓલવી નાખો.

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલીજ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.

જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પુરવા માનવીમાં માનવી નાખો.

- ભાવિન ગોપાણી

Comments (6)

પરબ, ઑગષ્ટ- ૨૦૧૪

ઈ સામયિક

‘પરબ’- ઑગષ્ટ- ૨૦૧૪

તંત્રી:- યોગેશ જોશી

સૌજન્ય​:- ગુજરાતી સાહિત્ય પરિષદ​

ડાઉન લોડ કર​વા ક્લીક કરો- parab august-2014

Comments (4)

રાખ્યા છે

એમ સઘળા પ્રશ્નના જવાબ રાખ્યા છે ,
હાથમાં મેં એક -બે ગુલાબ રાખ્યા છે .

છાપ પીંછાની પડે છે રોજ પગલામાં ,
રક્તમાં એણે હજી સુરખાબ રાખ્યા છે ?

ઘર છે વાસ્તુશાસ્ત્ર મુજબ એમનું ખોટું ,
સામસામી જેમણે રૂઆબ રાખ્યા છે .

જિંદગીનો કેમ તાળો મેળવી શકશો ?
શ્વાસના કેવળ તમે હિસાબ રાખ્યા છે !

આમ નહિતર ડાળ ફૂટે આંખને લીલી ?
ક્યાંક પાંપણ હેઠ એણે ખ્વાબ રાખ્યા છે !

- હેમંત ગોહિલ

Comments (8)

નિસ્યંદન જૂન​-ઑગષ્ટ ૨૦૧૪

ઈ સામયિક

નિસ્યંદન જૂન​-ઑગષ્ટ ૨૦૧૪

સૌજન્ય​:- તંત્રી-સંપાદક​- યોગેશ વૈદ્ય

ડાઉન લોડ કર​વા ક્લીક કરો–

Nisyandan Aug- 2014

Comments (1)

Older Posts »