Archive for August, 2008

ન આવ્યા

રહ્યા આંખ વચ્ચે જિગરમાં ન આવ્યા,

વળોટીને ઉંબર એ ઘરમાં ન આવ્યા.

 

કહે છે કે એ તો બધાને જુએ છે,

અમે કેમ એની નજરમાં ન આવ્યા?

 

મને પ્રશ્ન પેલી તળેટી કરે છે,

તમે કેમ પ્હેલા પ્રહરમાં ન આવ્યા.

 

બધાને સુરાનું ચડ્યું ઘેન ઘેરું,

અમે એક એની અસરમાં ન આવ્યા.

 

વિકટ, અતિવિકટ દોસ્ત આવ્યા વળાંકો

સરળ મોડ મારી ડગરમાં ન આવ્યા.

 

ઘણા આમ ટૂંકા ય રસ્તા હતા પણ,

મને કામ એક્કે સફરમાં ન આવ્યા.

 

ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયા

મને જે વિચારો બહરમાં ન આવ્યા

 

ડરી કંટકોથી ગયાં એ ગયાં બસ

ફરી ફૂલ મારા નગરમાં ન આવ્યાં

 

પછી રાજ ફળશે નહીં તો થશે શું?

મને સ્વપ્ન બસ એ જ ડરમાં ન આવ્યા.

                                   …….રાજ લખતરવી

Comments (2)

ઊભા

ત્યાં તળેટી પર બધું છોડી ઊભા

ને ગઝલને ટોચ પર ખોડી ઊભા

 

જલ, ભૂમિ, આકાશ, અગ્નિ ને હવા

એ બધાથી તંતુ કૈં જોડી ઊભા

 

શું તરી જાવું કે ડૂબવું નાખુદા

રણ વચાળે રાખીને હોડી ઊભા

 

રંગ આવીને ભરે મોસમ કદી

વૃક્ષ-ચિત્રો ભીંત પર ચોડી ઊભા

 

જોઇ જોઇ ખૂદને બસ થાકી ગયા

એટલે દર્પણ બધાં ફોડી ઊભા

 

એ પછી પણ ક્યાંય ના પહોંચ્યા સુધીર

જેટલું દોડાયું તે દોડી ઊભા

                            ….સુધીર પટેલ

Comments (1)

કોણ કરે ?

જાત સામે દલીલ કોણ કરે ?

ને સ્વયંને જલીલ કોણ કરે ?

 

માંડ એને મળ્યો હશે આ ઢાળ,

દોડવામાં તો ઢીલ કોણ કરે ?

 

આંખ આવીને સૌ લૂછી જાતાં,

પણ અહીં ખુશ દિલ કોણ કરે ?

 

માન ના માન, કોક છે, નહિતર

તારલા ઝિલમિલ કોણ કરે ?

 

શબ્દ મારો સીધો સરળ સુધીર’,

વાત સહેલી જટિલ કોણ કરે ?

                    ….સુધીર પટેલ

Comments (3)

મળજો મને

હોય જે કૈં શક્યમાં મળજો મને,

સાવ પૂરા સત્યમાં મળજો મને.

 

ના રહે અવકાશ કોઇ તર્કનો,

શુદ્ધ એવા તથ્યમાં મળજો મને.

 

સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,

એમ ફરતા લક્ષ્યમાં મળજો મને !

 

બસ મળો તો આપણા થૈને મળો,

ના કદી પણ અન્યમાં મળજો મને.

 

કોઇ અંતિમનો નથી આગ્રહ સુધીર,

એ જ ઇચ્છું મધ્યમાં મળજો મને !

                                      ….સુધીર પટેલ

 

Comments (2)