મને પ્રત્યેક ગમતી ક્ષણ ગઝલમાં લઇને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઇને આવ્યો છું.
સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં,
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઇને આવ્યો છું.
શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઇને આવ્યો છું.
સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરિસામાં પ્રગટતો જણ ગઝલમાં લઇને આવ્યો છું.
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમઝણ ગઝલમાં લઇને આવ્યો છું.
….. ઉર્વિશ વસાવડા
ઉર્વિશ વસાવડા વ્યવસાયે ડોક્ટર પણ દર્દી છે ગઝલના ! કવિ જૂનાગઢના છે એટલે નરસિંહનો કેદારો, દામોદર કુંડ અને ગિરનાર પર્વતની વાતો ગઝલમાં લાવ્યા છે. પોતાને ગમતી ક્ષણો- પ્રિયવ્યક્તિ સાથે વિતાવેલી ક્ષણોની વાતો લાવ્યા છે. વળી કવિ કુદરતને એટલી જ ચાહે છે તેથી તો નદી, પર્વત, રણને ગઝલમાં રજુ કરે છે. કવિએ બિંબ-પ્રતિબિંબ વચ્ચેની આછી ભેદરેખાને બરાબર ઓળખીને ગઝલમાં ખૂબીપૂર્વક આલેખી છે. કવિતા લખવી એ તો પ્રભુની કૃપા જ છે અંતે કવિ આ સમજણ ગઝલમાં લઇ આવ્યા છે. આ જ તો કવિની દક્ષતા છે.