Archive for October, 2008

પ્રતિક્ષા

ઊંચી મેડી ને એનાં ઊંચા ઝરૂખા

એથી ઊંચા રે એના જોનાર !

….સૂરજ ઊગે સોહામણો !

 

પાંપણ પોચી ને એમાં સપનાઓ કૂણાં

એથી કૂણાં રે એના અણસાર !

….સૂરજ ઊગે સોહામણો !

 

કાયા હાંફે ને એમાં હાંફે એક હૈયું

એથી હાંફે રે એનાં ધબકાર !

….સૂરજ ઊગે સોહામણો !

 

પગને રોકું તો ભાગે એનાં રે પગલાં

એથી ભાગે રે એનાં વિચાર !

….સૂરજ તપે સોહામણો !

 

વાયુ વેગીલો ને વેગીલા મારા શ્વાસ

એથી વેગીલા હો એ તોખાર !

….સૂરજ તપે સોહામણો !

 

કોરી આંખોમાં આવ્યાં ધસમસતા પૂર ને

જાત વહી ચાલી એની મોઝાર !

….સૂરજ ડૂબે સોહામણો !

                                                             …..સુધીર પટેલ

આજે કવિશ્રી સુધીર પટેલે

તેમની એક તાજી જ રચના ગુજરાતી કાવ્યરસિકો માટે આપી છે.

પ્રતિક્ષાકરી છે રાધાએ માધવની, ગોપીએ ગોપાલ ક્રિશ્નની, મીરાંએ ગિરિધર

નાગરની. આવી જ એક તીવ્ર પ્રતિક્ષાની કવિએ અહીં ઝાંખી કરાવી છે. સૂરજ

ઊગે સોહામણો નું પુનરાવર્તન કાવ્યને સુંદર લય આપે છે અને ગેય બનાવે

છે, મેડી, ઝરુખો, વેગીલો, તોખાર, મોઝાર વગેરે શબ્દોનો પ્રયોગ લોકગીતનો

અણસાર આપે છે.      ઊંચી મેડી, ઊંચો ઝરુખો અને એથી ય ઊંચી નાયિકાની

નજર છે જે દૂર દૂર પૂર્વે ક્ષિતિજે સૂરજને ઊગતો નિહાળે છે ને તેને મનમાં એક

આશા બંધાય છે- આજે મારો સાજન જરૂર આવશે. પોચી પાંપણોમાં આવતા

કૂણાં સપનાઓમાં એને સાજનના આવવાના કૂણાં કૂણાં અણસાર મળી ગયા છે.

જેમ સમય પસાર થતો જાય છે તેમ તેના શ્વાસની ગતિ વધે છે. કાયા, હૈયું અને

એને પરિણામે એના ધબકાર હાંફવા લાગે છે. સાજનને મળવાની તાલાવેલીમાં

એના પગ રોક્યા રોકાતા નથી, પગ કરતાં ય એના પગલાં ને વિચારો તેજ

ગતિએ આગળ દોડે છે. એ ઈચ્છે છે કે એના આવનારના ઘોડા વાયુ કરતાં ય

પણ વધુ વેગીલા હો ! જેથી મિલનની ઘડી નજીક આવે. સૂરજ મધ્યાહ્ને બરાબર

તપ્યો છે, નાયિકાનો જીવ થાકીને લોથપોથ થઈ ગયો છે. અંતે આવે છે સૂરજના

ડૂબવાની ઘડી ! નાયિકાની શુષ્ક કોરી આંખોમાં આંસુઓના પૂર ધસી આવે છે

અને જાણે એ પૂરમાં એની જાત વહેવા લાગે છે. સૂરજનું ઊગવું, તપવું ને ડૂબવું-

પ્રકૃતિ સાથે નાયિકાના વિરહવીંધ્યા હૈયાની વ્યાકુળતા અહીં સમરસ થાય છે.

આવા જ ભાવને પ્રગટાવતું એક લોકગીત પણ માણીએ—

આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વહાણ જો

પણ ના આવ્યાં રે નાવલિયા તારાં નાવડાં

ઊચેં ઊડે કાંઈ કૂવા કેરા થંભ રે

આ એવા રે ફફડે રે મારાં આ કાળજાં

ચૂંદડી ને નારિયેળ ખારેક ને સિંદૂર જો

આ પૂનમે ચડાવશું દરિયાદેવને

કંથડો મારો કોડીલો જાણે કાન્હ જો

આ રાધા રે જુએ છે એની વાટડી.

Comments (1)

रफ्ता रफ्ता

इस जहाँ से कब कोई बचकर गया

जो भी आया खाकें कुछ पत्थर गया l

 

मेरी कोशिश थी मेरी पगडी न जायें

बस इसी कोशिश में मेरा सर गया l

 

बेच डाला हमने कल अपना जमीर

जिन्दगी का आख़िरी जेवर गया l

 

दोस्तों का खौफ ही काफी है अब

मेरे दिलसे दुश्मनों का डर गया l

 

मैं कहाँ जाता वहीं बैठा रहा

हर कोई जब अपने अपने घर गया l

 

हम भी आख़िर सबके जैसे हो गए

रफ्ता रफ्ता अपना वो तेवर गया l

                                         ……राजेश रेड्डी

 

રાજેશ રેડ્ડી- કવિ નાટ્યલેખક- દિગ્દર્શક સાથે સંગીતકાર પણ. તેમની

ગઝલોમાં પ્રેમ-મિલન-જુદાઈની વાતો નથી હોતી પરંતુ માનવી મનની

વેદના, બેચેની, એના જમીરને ગૂંગળાવતી પરેશાની સ્વસ્થ રીતે વ્યક્ત

થાય છે. હલકાફૂલકા ઉર્દૂ શબ્દો ને સાવ સાદી અને સરળ ભાષા પ્રયોજી

તેમણે ઉમદા ગઝલો આપી છે.

Comments (4)

બોલે ઝીણા મોર

બોલે ઝીણા મોર, રાજા !

તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે.

 

મોર હી બોલે,

બપૈયા હી બોલે, કોયલ કરે કલશોર રે.

 

માઝમ રાતે ભલી વીજળી ચમકે,

બાદલ હુઆ ઘનઘોર રે.

 

ઝરમર ઝરમર મેહુલો વરસે,

ભીંજે મારા સાળુડાની કોર રે.

 

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

તું તો મારા ચિત્તડાનો ચોર રે.

                                         …..મીરાંબાઈ

 

મીરાંબાઈ ભક્તિવશ જીવ. ગિરિધર નાગર પ્રત્યે એને દૃઢભક્તિ-અતિશય પ્રેમ.

પ્રેમ એ તો બે વ્યક્તિ વચ્ચેનો સૂક્ષ્મ સંવાદ. આવો પ્રેમ મીરાંના આ પદમાં

વ્યક્ત થાય છે.            મીરાં ચિત્તડાના ચોરને રાજા તરીકે સ્થાપે છે. રાજાના

ડુંગરિયા પરથી મોરનો ઝીણો-સૂક્ષ્મ અવાજ ગળાઈ ગળાઈને આવે છે બપૈયા

અને કોયલનો કલશોર સૂક્ષ્મ સ્વરોનું આખું વૃન્દાવન સર્જે છે. માઝમ રાતે

વાદળો ઘેરાયા છે વચ્ચે આછેરી વીજળી ચમકી જાય છે. મેહુલો તો કળાકાર છે

તે ઝરમર ઝરમર વરસે છે અને મીરાંના સાળુડાની કોરને- મીરાંના દિલને

ભીંજવી જાય છે. અહીં વિરહની વાત નથી, આનંદની હેલી છે, રોમેરોમ સંગીતના

ધ્વનિ પ્રગટવાની વાત છે.

Comments (5)

મેઘ

ઓ આષાઢના પ્રથમ મેઘ

નથી કોઈ સંદેશ,

આજ પિયુ છે

મારે ઘેર, મારે દેશ.

 

મેઘની ડફલી ગજવી ગઈ

આભ અટારી ને

મને જગવી ગઈ

આખે આખી મેઘલી રાત.

 

દર આષાઢે મેઘ હવે તો

રાહ જુએ છે,

જન્મ્યો કોઈ કાલિદાસ

આ વર્ષે ?

                  …..કીર્તિકાન્ત પુરોહિત

 

મેઘ-  શ્યામના રંગે રંગાયેલો, પ્રિયજનનો સંદેશ લાવતો -લઈ જતો, આભ અટારી

ગજવતો, ધરતીને પોતાના જળથી પુલકિત કરતો, કવિઓનો પ્રેરણા સ્તોત્ર- આવા

મેઘનું સંવેદનાપૂર્ણ ચિત્ર કાવ્યના નવા જ પ્રકાર મોનોઈમેજમાં કવિએ ખૂબીપૂર્વક  

રજુ કર્યું છે.

Comments (6)

આજે દિપોત્સવના અવસરે ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ- આવનાર નવા વર્ષમાં

હું કુદરતને મન ભરીને માણીશ, મારી જાતને નિરોગી રાખવા મારાથી બનતો પ્રયત્ન

કરીશ, મારા મનને ઉમદા વિચારો આપીશ, સૌને લાગણીભીનો પ્રેમ આપીશ, છળ-કપટથી

દૂર રહીશ અને સરળ તથા સંયમી જીવન જીવીશ.

સૌને શુભ દિવાળી અને નવા વર્ષના અભિનંદન !

Comments (3)

મુક્તકો

પંખી આ ડાળે ઓ ડાળે

અંતરાળે છેવટ… માળે !

000

જ્ઞાનીજનને હોય ના, જ્ઞાન-માનનો ભાર,

વારિ ભરેલાં વાદળાં કરતાં વ્યોમવિહાર !

000

પડછાયા તો નાના-મોટા થાય,

પડછાયાથી મૂળને કેમ મપાય ?!

000

સાંજ પડી ને દીવા થયા,

તેજ-તિમિરના વીવા થયા !

000

વાડમાં પંખી ગાતું ગાન,

બાજુમાં બિલ્લી….ઊંચે કાન !

                                     …..જયંત પાઠક

Leave a Comment

સંબંધની સાંજ

પાંદડાં બધાં જ

રી

ગયાં હોય

અને

પંખીઓ પણ

ચૂપ

થઈ ગયાં હોય

અને રસ્તો ક્યાંયે

લઈ જતો ન હોય

ત્યારે

સાંજ

ડી

ગઈ હોય છે

કોઈ પણ

સંબંધની ! 

            …..જયા મહેતા

Comments (1)

ટેવ પાડી લ્યો !

ગળે આશ્ચર્યને ઉતારવાની ટેવ પાડી લ્યો !

ન ધાર્યું હોય એ પણ ધારવાની ટેવ પાડી લ્યો !

 

કરો સાબિત અસત્યોની તમે આપેલ વ્યાખ્યાઓ,

અને કાં સત્યને સ્વીકારવાની ટેવ પાડી લ્યો !

 

બરડ અસ્તિત્વના અંજામથી વાકેફ છે દુનિયા,

નમીને જાતને ઉગારવાની ટેવ પાડી લ્યો !

 

નિરર્થક છે બધી નિષ્ઠા તમારી આગિયા પ્રત્યે,

દિવસનાં તેજને સ્વીકારવાની ટેવ પાડી લ્યો !

 

તમે તો શું ખુદા પણ કાલથી અવગત નથી પ્યારા !

અહમને ખોતરી ખંખેરવાની ટેવ પાડી લ્યો !

                                                           …..ડૉ. મહેશ રાવલ

 

જીવનમાં જ્યારે આશ્ચર્યજનક ઘટનાઓ બને છે કે સપનામાં પણ ન ધાર્યું હોય એવું

થાય છે ત્યારે માણસ ડઘાઈ જાય છે. અસત્યને સાબિત કરી શકતો નથી અને સત્ય

પચાવી શકતો નથી. ક્ષણિક એવા આગિયા પ્રત્યેની નિષ્ઠા ભૂલીને દિવસના ઉજાસને

મન મૂકીને માણી શકતો નથી. પોતાના હોવાપણાના અહમથી બરડ થયેલું એનું

જીવન ગમે ત્યારે બટકી જાય એમ છે. માણસ તો શું પ્રભુ પોતે પણ આવતી કાલથી

અનવગત છે. કવિ કહે છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી માણસે પોતાના

અહમને ખોતરીને ખંખેરી નાખવો જોઈએ અને પોતાની અક્ક્ડતા છોડી નમતા શીખવું

જોઈએ તો જ આ જીવન સરળ, સુખી અને સલામત રહે. કવિની સરસ શૈલીએ ગહન

ચિંતન, ગહન વિચાર અને જીવનની અનુભૂતિ અભિવ્યક્ત થઈ છે.

એ જ તો પરિપક્વ કલમની કમાલ છે.

Comments (5)

ઉછેરી ના શક્યા

મૂળથી સંશય વિખેરી ના શક્યા,  

કોઈને ભીતર ઉછેરી ના શક્યા. 

 

એકબીજાને સતત ટોળે વળ્યા,

પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.  

 

પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,

એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.

 

આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,

પારદર્શકતા પહેરી ના શક્યા.

 

દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,

શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.

 

શું મનોમંથનથી વંચિત નીપજે,

એક ટંકની છાસ જેરી ના શક્યા.

                                       …..વંચિત કુકમાવાલા

સંશયોથી વીંટળાયેલો માણસ કોઈને ય પોતાના દિલમાં સંઘરી શકતો નથી કે

પોતાની જાતને ય પ્રેમ કરી શકતો નથી. કંઈક કહેવું છે પણ કહી શકતો નથી.

ચહેરાની આરપાર કોઈના દિલની, મનની વાત કળવી તેના માટે મુશ્કેલ છે.

ભગવાન પર પણ હવે તેને શ્રદ્ધા રહી નથી. કવિ કહે છે જ્યાં સુધી તે પોતાના

મનમાંથી સંશયોને ખંખેરી નહીં નાખે ત્યાં સુધી કંઈ વળવાનું નથી.

સરળ ભાષા અને વિચારોનું ઊંડાણ કવિની  પરિપક્વતાની પ્રતિતી કરાવે છે.

Comments (3)

મુક્તકો

ઝાડથી ખરે પાંદડું એમાંય

કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?   

આપણી વચ્ચે આવજોની

કોઈ ભીંત હશે, કે યાદ જેવું કોઈ બારણું હશે

                                               …..માધવ રામાનુજ

Comments (4)

Older Posts »