બેઘડી ચર્ચામાં રહી ભૂલાઈ પણ જશે,
નામ છે કોઈ દિવસ છેંકાઈ પણ જશે.
આપ-લેના સંબંધ તો જાળવજો ત્રાજવે,
આપતાં સામેથી બધું લેવાઈ પણ જશે.
ધૂંધવાઈ અલગાવથી ઘરઘરમાં વાત તો
કાન દઈને ભીંત પર કહેવાઈ પણ જશે.
ઘરનાં નેવાંની ધાર કે કોઈ રણ-ઝાંઝવું,
જો તરસ જાગે તો ફરક દેખાઈ પણ જશે.
જો ભરાવ થાય સુખનો ફેંકો ભીડ પર,
હાથમાં રહેશે અને વ્હેંચાઈ પણ જશે.
‘કીર્તિ’ તો છે નટખટ ને લીસ્સા પારદ જેવી,
હાથ જેવી કરશો તરત વેરાઈ પણ જશે.
…..કીર્તિકાન્ત પુરોહિત
કીર્તિ- નટખટ અને લીસ્સી પારા જેવી, હાથ કરવા જાવ ને વેરાઈ જાય, બે ઘડી ચર્ચામાં
રહે ને નામની માફક છેંકાઈ જાય. આપ-લે તો ત્રાજવે તોલીને થાય નહીં તો ક્યારેક
આપણું બધું લૂંટાઈ જવાનો ભય રહે. ભીંતને પણ કાન હોય છે તેથી ઘરમાં ધૂંધવાતી
વાતો બહાર ચર્ચાનો વિષય બની શકે. પોતાના-પારકા તો ખરા સમયે જ પરખાઈ જશે.
સુખ તો વહેંચીને ભોગવવામાં જ ડહાપણ છે. કવિએ અહીં જીવનવિષયક વાતો કરીને
બહુ લાગણીવશ થયા વિના થોડી કાળજી લેવાનો સંકેત કર્યો છે. બૂકમાર્ક પર નોંધી
રાખવા જેવી ગઝલ.