Archive for December, 2008

રમતાં રમતાં

કોઇ એવાં જણ મળ્યાં રમતાં રમતાં,

જાણે બળતાં રણ મળ્યાં રમતાં રમતાં.

 

પળભર તારી આંખથી આંખો મળતાં,

કેફ ભર્યાં વળગણ મળ્યાં રમતાં રમતાં.

 

બેઠાં ખાવા થાક અણજાણ વિસામે,

પરિચિતોનાં ધણ મળ્યાં રમતાં રમતાં.

 

અચરજથી જોઇ રહ્યાંતા દુશ્મન પણ,

દોસ્તે દીધાં વ્રણ મળ્યાં રમતાં રમતાં.

 

આખર ટાણે લાશની ઇચ્છા ય ફળી,

ચૂંટેલાં બળતણ મળ્યાં રમતાં રમતાં.

 

ભજવું જપવું કીર્તિ ત્યજતોતો ત્યાં તો,

સામે ઇશ્વર પણ મળ્યાં રમતાં રમતાં.

                                                   …..કીર્તિકાન્ત પુરોહિત

Comments (4)

શાથી છે ?

કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે ?

નાગી તલવાર ને તરફડતી ઢાલ શાથી છે ?  

 

અઢી અક્ષરની રમત સમજીને હું બેઠોતો

અઢી પગલાંની સાવ ટેઢી ચાલ શાથી છે ?

 

કોણે ટૂચકો કર્યો છે, કોણે મૂઠ મારી છે

આ દ્વાર, દ્વાર મટીને દીવાલ શાથી છે ?

 

હુતાશનીની ભસ્મ ચોતરફ ઊડે છે હજી,

બધાનાં ચિત્તમાં ચપટી ગુલાલ શાથી છે ?

 

સહુની આંખ સાવ કોરી છે એ સાચું પણ,

સહુના હાથમાં ભીના રૂમાલ શાથી છે ?

 

અમે તો હાથ ઉઠાવીશું એ જ પૂરતું છે,

સહુના કરમાં સળગતી મશાલ શાથી છે ?

                                                       …..હરીશ મીનાશ્રુ

Comments (5)

‘મા’

મા ક્યાં પૂછી ને કરે છે વહાલ,

ક્યારેય વિચારે છે ? આજ નહીં કાલ.

 

ગીતા-ધર્મ જેવું એનું નિસ્વાર્થ જીવન,

સદા કહે ! સુખી રહેજે મારા લાલ’.

 

કરીનેય ન બોલવું એનો જીવન મંત્ર,

સેવાનો સૂરજ ચમકી રહેતો એને ભાલ.

 

મારી હૂંફ સદાય તારી પડખે રહેશે,

ઝંઝાવાતમાંય તું એકલો-એકલો ચાલ.

 

એની હાજરી માત્રથી, ઘરમાં જીવન સંગીત

પ્રેમભર્યા સૂર અને પ્રેમસભર લયતાલ..

 

સદા લણાતો છતાંય કેમેય ના ખૂટતો,

મહિમામયી માતાના પ્રેમનો ફાલ.

 

સંતાનોના લોહીમાં સદાય જીવતી રહે મા’,

અદભૂત દુનિયા જોઇ લે, મારી આંગળી ઝાલ.

                                                      …..રેણુકા વશી

 

જન્મતાની સાથે જ આપણને માતાના પ્રેમનો અનુભવ થાય છે.

માની આંગળી પકડીને આપણે આ જીવનમાં ડગ માંડ્યા છે.

ભગવાનનો ચહેરો આપણે જોયો નથી પરંતુ તે તીર્થરૂપ મહામૂલી

માના ચહેરાથી તો અલગ નહીં જ હોય ! રેણુકા વશી અહીં મા

પ્રત્યેની પોતાની ભાવનાઓ એક અનોખા અંદાજમાં આલેખે છે.

ઓછાબોલા ને પ્રેમાળ, સહિષ્ણુ, શુભેચ્છક ને બીજાને મદદ કરવા

સદા તત્પર એવા આ કવયિત્રી લખે છે ઘણું પણ પ્રગટ ઘણું જ

ઓછું કરે છે.       આશા રાખીએ કે તેમની પાસેથી આવી સરસ

કવિતાઓ આપણને વારંવાર વાંચવા મળે.   

Comments (3)

તોબા કરું

પગમાં પડું, બે હાથ જોડું ને પછી તોબા કરું,

હું પણ લીધેલી વાત છોડું ને પછી તોબા કરું.

 

તોબા કરો, ચાલો તમે પણ આજ બસ તોબા કરો,

હું પણ બધી પંચાત છોડું ને પછી તોબા કરું.

 

સમ છે મને આ રાતના જો સ્વપ્ન જોઉં કાલથી,

અંધાર ભીની રાત ઓઢું ને પછી તોબા કરું !

 

ફોડ્યા અરીસાઓ અને ફોડ્યાં છે બિંબો લાખવાર,

આજે હવે બસ જાત ફોડું ને પછી તોબા કરું !

 

મન હું મરોડી ના શક્યો એના વિકલ્પે લ્યો સુધીર’,

મારા જ ખુદ બે હાથ મોડું ને પછી તોબા કરું !

                                                                    …..સુધીર પટેલ

Comments (6)

મુક્તકો

જાણી લીધું આ જિન્દગી કેવળ મજાક છે,

સીધા દીસે જ્યાં માર્ગ ત્યાં નાજૂક વળાંક છે.

                                                          …..યોસેફ મેકવાન

Comments (1)

ને વારતા લંબાય છે

સ્હેજ ઝીણી-ઝીણી ઝરમર થાય છે ને વારતા લંબાય છે,

એક કોરી લટ જરી ભીંજાય છે ને વારતા લંબાય છે.

 

એક આંબો એક મોસમ એક કોયલ એક ટહુકો કે પછી,

એક એવી બાદબાકી થાય છે ને વારતા લંબાય છે.

 

એક દિવસ નખને ઝાકળ-બુંદથી એ રંગવા બેઠાં હતાં,

ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે ને વારતા લંબાય છે.

 

એમના પગલા પછી પગલા પછી પગલું મુકાતું જાય છે,

ઘાસ ધીમે-ધીમે લીલું થાય છે ને વારતા લંબાય છે.

 

રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા,

લાગણીની નસ કદી ખેંચાય છે ને વારતા લંબાય છે.

                                                                            …..સુરેન્દ્ર કડિયા

Comments (6)

કવિતાનો શબ્દ મળ્યો…..

કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી

કોઈ વન નિર્જન નથી

કોઈ જણ અજાણ્યું નથી

કોઈ શહેર અળખામણું નથી.

 

કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી

હું પોતે મને ચાહી શકું છું

અને બહારના વિશ્વને

ચિક્કાર પ્રેમ કરું છું.

 

કવિતાનો શબ્દ મારી મિરાત

જીવનની નિરાંત.

                                      …….સુરેશ દલાલ

Comments (1)

….જેવો થઈ ગયો

અકબંધ ઘરનાં દ્વાર જેવો થઈ ગયો,

એક શખ્સ બારોબાર જેવો થઈ ગયો.

 

પર્યાય થઈ ગઈ જિન્દગી, પ્રશ્નાર્થનો

ઉત્તર વિષે નાદાર જેવો થઈ ગયો.

 

અનહદ ગણી એ લાગણી ઓછી પડી,

સંબંધ કારોબાર જેવો થઈ ગયો.

 

ભરતી પછીની ઓટ આંજી આંખમાં,

ખારાશ વચ્ચે ક્ષાર જેવો થઈ ગયો.

 

અસ્તિત્વ ચકરાવે ચઢ્યું એ રીતથી,

ગઈકાલના અખબાર જેવો થઈ ગયો.

 

સપનાં વમળની જેમ ઘુમરાતાં રહ્યાં,

ખુદ ફીણનાં અંબાર જેવો થઈ ગયો.

 

નીકળ્યો નહીં એકે ય રીતે અર્થ કંઈ,

ને અર્થહીન ઉચ્ચાર જેવો થઈ ગયો.

                                               …..ડૉ. મહેશ રાવલ

Comments (5)

શ્વાસની માળા

શ્વાસની માળા મહીં એક જ રટણ,

તું જ તુંનો એકતારો ને સ્મરણ.

 

વરસોથી બેઠો જટાને ખોલીને,

કે થશે ક્યારેક ગંગા અવતરણ.

 

તેં ભલેને આદરી દીધી સફર,

લઈ જશે સઘળે તને મારાં ચરણ.

 

તું જ સરવર ને સરિતા, જલધિજલ

ઝંખી રહ્યું કણ કણ મહા રેતીનું રણ.

 

વિસ્તાર તારો એટલો કે ચોતરફ

પ્રસરી ગયું, ઘેરી વળ્યું વાતાવરણ.

 

તારા લીધે જીવું અને જીવ્યા કરીશ,

એક તારા સ્પર્શથી મરતું મરણ.

                                          …..રોહિત પંડ્યા

Comments (2)

મુક્તકો

ભૂત કે ભાવીની કથની ઘણી

હાથમાં હોય તે ક્ષણ આપણી,

કાલ ઉગે ને આથમશે ય પણ

આજની જે ઘડી, રળિયામણી.

#

ક્યાંક મંદિર ક્યાંક મસ્જિદ છે

ધર્મની નોખી નોખી જીદ છે,

આ જગતમાં લાખોને ચાંદ નહિ

રોટલો મળવો એ મોટી ઇદ છે.

#

દાવ લે છે પણ દાવ એ દેતો નથી

સ્હેલથી પકડી લો એવો એતો નથી,

હું ખુદા તુજને નાખુદા શાને કહું ?

નાવ શું માથે કશું પણ લેતો નથી.

#

જિંદગી જેવી મળી અપનાવતો રહ્યો

ડમરીમાં યે રાહને કંડારતો રહ્યો,

લોક પૂછે કીર્તિની તક ક્યાં મળી તને

હર ટકોરે દ્વારને ઉઘાડતો રહ્યો.

                                        …..કીર્તિકાન્ત પુરોહિત

Comments (4)

Older Posts »