Archive for January, 2009

મુક્તકો

સૌ સમયના વહેણમાં વહેતા રહે છે એ રીતે,

જેમ નદીઓને સસત વહેવું પડે છે ઢાળમાં !

000

 

આ સફરમાં રહી જશે પાછળ બધું,

જે બધું આગળ મને દેખાય છે.

000

 

આંખ ખૂલ્લી હોય ને બનતા રહે,

આંખ ખોલી નાખનારા કંઈ બનાવ !

                                         …..ભરત વિંઝુડા  

Comments (5)

વંદન

નકામી ઠરી છે એ ચળવળને વંદન,

ને ખૂલતી નથી એય સાંકળને વંદન.

 

સજળ આંખમાં રાતભર ભીનું સપનું,

સવારે કરું છું હું ઝાકળને વંદન.

 

નમું છું તેં ભીતરમાં ધરબેલા દવને,

નથી તેં લખ્યો એ કાગળને વંદન.

 

હું છત્રી નીચે પણ નથી સાવ કોરો,

જે વરસ્યું છે એવું એ વાદળને વંદન.

 

બુઝાતી બધી શગને સો સો સલામી,

અને આવનારી સૌ ઝળહળને વંદન.

 

હણાયેલા શબ્દોયે હણહણશે પાછા,

ખરા દિલથી કર એની હાવળને વંદન.

 

હું પૂંજક છું પથ્થર ને પાલવનો અશરફ !

કરું છું હું કાબા ને કાજળને વંદન.

                                                 …..અશરફ ડબાવાલા

Comments (3)

કાવ્યત્રયી

કોઈના

ટાઈમટેબલના ખાનામાં

ગોઠવાઈ જવાના

પ્રયત્નમાં જ

હું ફેંકાઈ ગઈ છું

ટાઈમટેબલની બહાર…

000

આંખમાં સંતાડેલાં વાદળ

આમ છડેચોક

ખુલ્લા તડકામાં

વરસી પડશે

એની મને પણ

ક્યાં ખબર હતી ?

000

પહેલાંની જેમ

હવે મને

કશું વાગતું નથી

ત્વચા ઉઝરડાતી નથી

લોહી ટપકતું નથી

કોરી ખાતી વેદનાની ચીસ પડતી નથી.

ને આંખમાં ઝળઝળિયાં આવતાં નથી.

જગત સાથે કરેલા

આ સમાધાનને પરિણામે

કૂખમાંથી નથી જન્મતાં

ચિત્કાર કરતાં કાવ્યો….!

                                                …..પન્ના નાયક

Comments (5)

છેવટ

જીવવાનું ને તરત પાછા જવાનું,

એટલા ઓછા સમયમાં ચાહવાનું.

 

સૌ કહે ટાણું કદી પાછું મળે ના,

હો મુસીબતનું, ફરીને આવવાનું.

 

કૈંક ભીતરમાં ઊગે ને આથમે છે,

યત્ન થાતો, ના મળે કૈં ભાળવાનું.

 

ચાહ હો કે હો ફરજ, એની જગાએ

બેયમાં આખર પડે છે આપવાનું.

 

ભીંત છે ચારિત્ર્યની નક્કર છતાં પણ,

ગામ શોધે બસ તિરાડો કાઢવાનું.

 

 

કીર્તિની ભેખડ તળેથી ઝટ હટી જા,

જો ખસે, ભારે પડે છે ભાગવાનું.

                                          …..કીર્તિકાન્ત પુરોહિત

Comments (4)

સંબંધ છે

થોડો ય પરિચય નથી છતાં સંબંધ છે,

લાગે છે હૃદયની આ લાગણીઓ અંધ છે.

 

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,

વીતેલ સૌ પ્રસંગ નીરખવા પ્રબંધ છે.

 

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,

અહીં પાન પાનમાં વસંતની સુંગંધ છે.

 

ભવરણમાં એટલે જ ભટકતો રહ્યો સદા,

જોયુંતું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

 

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,

મિસ્કીનજિંદગીમાં રઝળતા સંબંધ છે.

                                          …..રાજેશ વ્યાસ મિસ્કીન

Comments (3)

ના આવડ્યું

કોઈના અંગત થતા ના આવડ્યું,

સ્વપ્નમાં પણ જાગતા ના આવડ્યું.

 

સાંજ પડતા, એ જ રસ્તો એ જ ઘર,

તો ય ત્યાં પાછા જતા ના આવડ્યું.

 

જિન્દગીભર નામ જે રટતા રહ્યા,

અંતમાં ઉચ્ચારતા ના આવડ્યું.

 

જે પળેપળ હોય છે હાજર સતત,

સાથ એનો પામતા ના આવડ્યું.

 

નીકળ્યો પગમાંથી જે મરજી મુજબ

એ જ રસ્તે ચાલતા ના આવડ્યું.

 

એટલે કેદી રહ્યા કાયમ અમે

ક્યાંય કાચું કાપતા ના આવડ્યું.

 

છે બધું પણ કૈં નથી આકાશમાં,

ભાગ્યને અજમાવતા ના આવડ્યું.

                                    …..આકાશ ઠક્કર

Comments (6)

અણસાર જોયા !

આંધળા અસવાર જોયા,

લંગડા તોખાર જોયા !

 

ભીતરે તણખા ભરેલા,

રાખના અંબાર જોયા !

 

ક્યાંક આવળ ક્યાંક બાવળ,

ક્યાંક મૂશળધાર જોયા !

 

અંધ હસ્તિ ન્યાય જેવા

સંકુચિત વ્યવહાર જોયા !

 

જો અને તો બેઉ વચ્ચે,

ધૂંધળા અણસાર જોયા !

 

શેષની ખણખોદ કરતા,

શૂન્યના દરબાર જોયા !

 

આંખનો શું વાંક એમાં    

સ્વપ્ન પારાવાર જોયા !

                    …..ડૉ. મહેશ રાવલ

Comments (3)

હું સરહદ પરનો કેદી

હું સરહદ પરનો કેદી,

હું મારાથી અલગ છતાં ના મુજને શકતો ભેદી.

 

ભગવા પહેરી જંગલ ફરીએ કે જઈએ ગુરુદ્વારા,

બંધ કરી મન સાત પટારે જપું હરિની માળા,

રંગ ચડે જો લાલચટક તો એને કહીએ મેંદી. 

                                                      હું સરહદ પરનો કેદી.

 

માથે સૂરજ લઈને ફરતા ને મનમાં અંધારાં,

આતમજળમાં ઊંડે ઊંડે પરપોટાના જાળાં,

ભાંગીતૂટી જાત ઉપરથી ઇચ્છાઓ પણ એદી

હું સરહદ પરનો કેદી.

                                                         ……મધુમતી મહેતા

Comments (7)

સંત

એનું જ નામ સંત,

ભગતિને મારગ લઈ જઈને દેખાડે ભગવંત.

 

માળાના મણકા ફેરવતી આંગળીઓ શું જપે,

એ જ અલખથી ઓછું અમને સ્હેજે કૈં ના ખપે,

હેત નીતરતાં એને હૈયે હરપળ હોય વસંત.

                                                   એનું જ નામ સંત….

 

બ્હારની સાથે હોય ભીતરનો એક જ ભગવો રંગ, 

પ્રગટાવે અંદર અજવાળું એ જ ખરો સતસંગ,

ના કેવળ મંદિરના એ તો મનના હોય મહંત.

                                                   એનું જ નામ સંત….

                                                              ….નીતિન વડગામા

Comments (5)

શેં પામે ?

આંખો મીંચું તો સપનામાં ને આંખો ખોલું તો સામે,

હોય હવે જે અંદર- બહાર, એને કોઈ કહો શેં પામે ?

 

બસ એક વાર કરો ઈચ્છા ને

એ મળે અહીં અઢળક અઢળક,

ખાલીપો સાવ પછી ખેરી

ભરી દે બધે ભરચક ભરચક !

પડઘો તરત જ પડશે એનો, પુકારજો કોઈપણ નામે !

 

ભૂલું પણ ભૂલાય નહીં જે

એને હું યાદ કરું પણ કેમ ?

પાણીથી છલછલ એક નદી

નીકળે પાણીની શોધે જેમ !

મથાળે મળે નહિ મારગ પણ, પહોંચાડે જરુર મુકામે ! 

                                                                  …..સુધીર પટેલ        

Comments (3)

Older Posts »