Archive for March, 2009

શમણાંના વણઝારા

rainbow

 

 

 

 

 

 

 

અમે તો શમણાંના વણઝારા,

મેઘધનુના રંગો નેણે આંજીને ફરનારા. અમે તો…

 

સમી સાંજના સામી વાટે ઝળહળતું કૈં આવે,

છમ્મલીલા શ્રાવણની યાદે મૌન ભીનું વરસાવે,

રાન વિરાને સાબૂત હૈયે સામે પૂર તરનારા. અમે તો…

 

ડમરો થઈને મ્હોરે પેલા આગમના પડછાયા,

પળપળની પગથારે રંગો મોસમના પથરાયા,

અગમનિગમનાં ગીતો ગાતાં ભીતરમાં ભળનારા. અમે તો…

 

પવન તણા સૂસવાટે પેલી વનલીલા કૈં ડોલે,

હળુ હળુ મંજરીઓ હેતે મૌન અગોચર ખોલે,

પીમળ પછેડી પોઢી અંતર ઝરણાંને ઝરનારા. અમે તો…

                                                               …..જગદીશ ધનેશ્વર ભટ્ટ

Comments (4)

અજાણ્યું ક્યાં હતું !

night

 

 

 

 

 

 

 

આ તબક્કે કોઈપણ કારણ અજાણ્યું ક્યાં હતું !

જે થયું તે થઈ જવાનું પણ અજાણ્યું ક્યાં હતું !

 

ઝળહળે છે રાતભર જાહોજલાલી રાતની,

પણ દિવસના તેજનું ભારણ અજાણ્યું ક્યાં હતું !

 

પી ગયો છું એ ભરોસે હર વકલનું ઝેર હું,

એમનાથી એક પણ મારણ અજાણ્યું ક્યાં હતું !

 

ગોઠવેલાં હોય છે આશ્વાસનો સંબંધનાં,

દરઅસલ, હર દર્દનું તારણ અજાણ્યું ક્યાં હતું !

 

કોઈ પાસે ક્યાં હતું સંજીવની જેવું કશું ?  

જિંદગી છે મોતની થાપણ અજાણ્યું ક્યાં હતું !

                                                           ….. ડૉ. મહેશ રાવલ   

Comments (4)

વિષાદ

dry-river

 

 

 

 

 

 

 

 દરિયે મળવા ચાલી સરિતા

              રણમાં થઈ ગઈ ગુમ,

ભરી ભરી મહેફિલમાં આજે

              ચહેરાઓ ગુમસૂમ.

 

મોલ ઊગ્યો છે મબલખ

              તો યે દુકાળનાં એંધાણ,

ભર્યાંભર્યાં ખેતરનું થાતું

              કેવું આ ભેલાણ ?  

સાવ એકલો ખેડુ બેઠો

              શેઢા ઉપર સૂમ.

                        દરિયે મળવા…..

 

સંબંધોનાં ડાળ પાંદડાં

              ખરી રહ્યાં છે ધીમે,

પંખી-ટહુકા ઊડી ગયા છે

              નદી પારની સીમે,

એકલવાયું વૃક્ષ પૂછે છે

              કોને પાડું બૂમ ?  

                        દરિયે મળવા…..

                                  …..ગોપાલ શાસ્ત્રી      

Comments (6)

પરી હાથમાં

fairy

 

 

 

 

 

 

 

પ્યાસની રેખ શું પાંગરી હાથમાં,

એક આખી નદી તરવરી હાથમાં !

 

સૂર ત્રેવડ મુજબ સૌ જગાવે અહીં,

સૌને આપે સમય બંસરી હાથમાં !

 

મુઠ્ઠી અકબંધ રાખી ઝઝૂમું હજી,

વેદના કેટલું કરગરી હાથમાં !

 

ક્યાં જરૂરી હલેસાં ને હોડી હવે ?

હું તરું હાથ એનો ધરી હાથમાં !

 

એક પીંછું રહ્યું બાકી અંતે સુધીર’,

ભાગ્ય-દેવે દીધીતી પરી હાથમાં !

                                          …..સુધીર પટેલ

Comments (4)

અમે જોતાં રહ્યાં

smile

 

 

 

 

 

 

 

દૂરથી એક સ્મિત લહેરાયું અમે જોતાં રહ્યાં,

આંખમાં એક સ્વપ્ન અંજાયું અમે જોતાં રહ્યાં.

 

મૂલ્ય ને સિદ્ધાંત ને સચ્ચાઈ ને એવું બધું, 

કોડીઓના દામ વેચાયું અમે જોતાં રહ્યાં.

 

આંધળો વિશ્વાસ અહીંયા ઠોકરે અટવાય છે,

ને હૃદયમાં શૂન્ય અર્જાયું અમે જોતાં રહ્યાં.

 

પાર ઘૂંઘટની કદી જે આંખ ના દેખાઈતી,

ગામમાં એ નામ ચર્ચાયું અમે જોતાં રહ્યાં.

 

રાતદિન મથતો રહ્યોતો એ પ્રબળ ઈચ્છા લઈ,

ભાગ્ય એનું પળમાં પલટાયું અમે જોતાં રહ્યાં.

 

એક નાના બુંદ જેવી પ્રેમની શરૂઆત ને, 

એ થઈ આકાશ ફેલાયું અમે જોતાં રહ્યાં.

                                               …..અશોક જાની આનંદ

Comments (4)

રહેશે

ancient-god

 

 

 

 

 

 

 

જે છે તે આ છે ને આ જ રહેશે,

દુર્દશાનો એક મિજાજ રહેશે.

 

તું ભલે તોડે રસમની દિવાલો,

જીવવું છે તો સમાજ રહેશે.

 

ઓળખી ખુદને પ્રણામ કરી લો,

પથ્થરો પથ્થર જેવા જ રહેશે.

 

પાનીએ કિસ્મત હજાર ઝખમ દે,

ચાલવું પગનો રિવાજ રહેશે.

 

મૌનના લયની ઇબારત પરખો,

ભીતરે જૂદો અવાજ રહેશે.

 

સ્થાન તો નક્કી કરીને ઉભો છે,

કીર્તિનો વટ છે ને ત્યાં જ રહેશે.

                               …..કીર્તિકાન્ત પુરોહિત

Comments (4)

મારી ભીતર

sad

 

 

 

 

 

 

 

નિરંતર વ્યથાની અસર મારી ભીતર,

ઉદાસી કરી ગઈ છે ઘર મારી ભીતર.

 

તમે જે ઘડીથી ત્યજીને ગયા છો,

વસ્યું એક સૂનું નગર મારી ભીતર.

 

વરસતી રહી છે સતત આંખ મારી,

ને તરસ્યા રહ્યા છે અધર મારી ભીતર.

 

રહી છાપ પગલાંની અકબંધ એવી,

કે થઈ ગઈ અનોખી ડગર મારી ભીતર.

 

બધી દોટ થઈ અંતમાં વ્યર્થ નાદાન’,

હવે આદરું છું સફર મારી ભીતર.

                    …..દિનેશ ડોંગરે નાદાન

Comments (2)

ખોલે મને !

sad_man

 

 

 

 

 

 

 

 

 

 

 

કોક સાંધે કોક તો તોડે મને,

નામ સાથે કોઈ ના જોડે મને ! 

 

છે વફાદારીય એની કેટલી ?

આ ઉદાસી ક્યાં કદી છોડે મને !

 

વાંક જળનો ક્યાં જરાએ હોય છે ?

લાકડીની જેમ એ બોળે મને !

 

કોકનામાં જાઉં ખોવાતો અને,

કોક મારામાં વળી ખૉળે મને !

 

એ હવે આવી ગયા છે આંગણે,

બારણાની જેમ એ ખોલે મને !

                                …..ફિલિપ ક્લાર્ક

Comments (4)

ક્યાં મળે ?

s-rise

 

 

 

 

 

 

 

આટલા મોહક અને મોતી ભરેલા ક્યાં મળે ?

ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે ?

 

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે,

આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે ?

 

ધારણા સાચી પડી આજે તમારું આગમન !

બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે ?

 

આ અતિથિના ભલા સન્માન આદર તો જુઓ,

ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલાં ક્યાં મળે ?

 

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,

જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે ?

 

યત્ન પથ્થરથી કર્યા તો એકના કૈં થૈ ગયા,

દર્પણોના દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે ?

                                           …..યામિની ગૌરાંગ વ્યાસ

Comments (4)

ક્યાં ગયું રે પંખી ?

f-bird

 

 

 

 

 

 

ક્યાં ગયું રે પંખી, ઊડી ક્યાં ગયું રે પંખી ?

ખેતરમાં ચણતુંતું, જેને જીવ રહે છે ઝંખી.

 

મોલ ભરેલું ખેતર સૂનું

વગડો આખો સૂનો,

દૂધમલિયાં ડૂંડાઓ ઝંખે

નાતો જૂનો જૂનો !

અમૂક-તમૂક સ્મરણો હજીય જાય મનને ડંખી !

ક્યાં ગયું રે પંખી, ઊડી ક્યાં ગયું રે પંખી ?

 

ઊડી ગયેલો ટહુકો પાછો

કિયા ઠામે ગોતું ?

લીલાછમ અવસરનું શમણું

સરી ગયું પનોતું !

સરનામું ક્યાં શોધું હવે ? ખોવાઈ છે ચબરખી !

ક્યાં ગયું રે પંખી, ઊડી ક્યાં ગયું રે પંખી ?

                              …..લાલજી કાનપરિયા

પંખીઅને ખેતર જેવાં સરસ પ્રતીકો, દૂધમલિયાં ડૂંડાઓ અને

લીલાછમ અવસર જેવા તાજા કલ્પનો પ્રયોજીને કવિએ એક સુંદર

વિષયવસ્તુની આ ગીતમાં કલાત્મક રીતે રજુઆત કરી છે. કવિની

કમાલ તો જુઓ ગીતની લીટીએ લીટીએ સંભળાતા લયના મધુર

ટહુકા આપણા કાનને વિસ્મિત કરે છે.

Comments (3)

Older Posts »