
પલ તરત છું હસ્તગત છું દોસ્ત,
સ્કંધ દઉં એવી સિફત છું દોસ્ત.
કોઈપણ ખૂણે મને વાંચી લે,
એટલું વ્યાપ્ત જગત છું દોસ્ત.
કાલની નિશ્ચિત સવારો રાખી,
સાંજ આથમતી અક્ષત છું દોસ્ત.
શોધ મારી જ્યારે પડતી મૂકે,
સાવ પડખે છું વખત છું દોસ્ત.
હાજરીથી શું વિશેષે હોય !
પણ વિકલ્પે દસ્તખત છું દોસ્ત.
‘કીર્તિ’ આખર ઓગળે મક્તામાં,
હું જ મારી કેફિયત છું દોસ્ત !
…..કીર્તિકાન્ત પુરોહિત








