Archive for May, 2009

પાર કરી દે

dew

 

 

 

 

 

 

 

મારી આ દિવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઉગી જા,
તુ ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.

તુ પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.
                                     …..ગૌરાંગ ઠાકર

Comments (7)

ભીતર ગગન ઊઘડે બારી !

w 1

 

 

 

 

 

 

 

દીપ ધર્યા ને ઊમટી તેજસવારી, ભીતર ગગન ઊઘડે બારી !

ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી,
ખેતર, પાદર, ચોક, શેરીઓ, ઝળહળ ઝળહળ તેડી !
અંધારાં ઓગળતાં અંદર, ઝળહળ આભ અટારી.
ભીતર…

તારલિયાના તેજ ઘૂંટીને, ઉઘલ્યાં પારિજાત,
દીપ મઢેલી રાત અને કંઇ કંકુના પરભાત !
કમળ આળખ્યાં કમાડ ફરતે, મબલક ફૂલડાં ક્યારી.
ભીતર…

અજવાળાનો અવસર લઇને આવી ઊજળી વેળા
અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળા !
ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી, સમય લીધો શણગારી.
ભીતર…
                                                                  ….દલપત પઢિયાર

Comments (3)

ટોળું

આમને આમ જામ્યું ટોળું હશે,
સાવ કારણ વિનાનું ટોળું હશે.

ટોળાને ના સમજ છે ના છે દિશા,
ટોળા સામે ય સામું ટોળું હશે.

રસ્તાના પથ્થરો થરથર કાંપતા,
ગામમાં આજ પાછું ટોળું હશે.

એક બીડીની ઝૂડી ભેગાં કરે,
ક્યાંક એવું ય નાનું ટોળું હશે.

કોઇ જાગી ગયા ને અંદર વળ્યા,
એની ભીતર મજાનું ટોળું હશે.

લોક આવ્યા ખરા પણ વાડે ઊભા,
‘કીર્તિ’ તારી સભાનું ટોળું હશે.
                          ……… કીર્તિકાન્ત પુરોહિત

કેટલાંક ટોળાંના ઈરાદાઓ પાક હોય તો કેટલાંકના નાપાક હોય
છે. ક્યારેક સાવ કારણ વિના જ ટોળાં જામે છે, આવા ટોળાંને
ના સમજ હોય છે કે ના દિશા. જ્યારે ટોળાં સામસામે આવે છે
અને હિંસક બને છે ત્યારે રસ્તા પરના પથ્થરો પણ કાંપવા લાગે છે.
જે ટોળાંના ઈરાદાઓ નેક અને સત્ય પર આધારિત હોય છે એ
સફળતાને વરે છે. કવિ કહે છે કે કેટલાક એવાય માણસો હોય છે
જે જાગૃત થાય છે અને મનની ભીતર વળે છે. અંદર વિચારો,
લાગણી, આકાંક્ષાઓના ટોળાં મળે છે. એ ટોળાંમાં ભળી, તેમનો
અવાજ સાંભળી જે કાર્ય કરે છે તેનું જીવન ધન્ય બને છે.

Comments (7)

કેવો અમીર છે !

vijaLi

 

 

 

 

 

 

 

મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.

ખાલી આ મારી બ્હારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !

એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.

છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે.

એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.

કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
પોતે ખુદાના હાથની જાણે લકીર છે.
                                            …..હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (8)

ખોલી નાખ

flowers-1

 

 

 

 

 

 

 

 

 

 

સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ,
બંધ જીવતર ની ડેલી ખોલી નાખ.

બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ,
તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ.

શ્વાસને સાવ છુટ્ટા મેલી દે !
તું હવાની હવેલી ખોલી નાખ.

બારની તડથી આવે મ્હેક હવે,
ક્યાંક મ્હેકે ચમેલી ખોલી નાખ.

બીજમાંથી સીધી પૂનમ દઇ દે !
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ.

આ ગઝલ આપણા જીવન-તાંદુલ,
પોટલી શરમ મેલી ખોલી નાખ.

બાર વાસ્યું છે અમથું અડકાડી,
સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ.
                                 …..મનોજ ખંડેરિયા

Comments (7)

કેટલાં સીમિત થઈ ગયા

balsam1

 

 

 

 

 

 

 

ચાર ભીંતો, છત અને બારી-બારણાં,
કેટલાં સીમિત હવે તો થઈ ગયા ઘર આપણાં.

બાળકો એકાદ-બે, ભીંતે છબી મા-બાપની,
જીવવાનું એ રીતે જાણે હો કોઈ ધારણા.

લાગણી સોળે સજીને એમ બેસે છે હવે,
જેમ કોઈ આવી લેવાનું હશે ઓવારણાં.

હૂંફ મેળવવાની એ સૌથી સહેલી રીત છે,
એષણા સળગાવીને તાપ્યા કરીએ તાપણાં.

જિંદગી ‘નાદાન’ આખર કેટલું વેંઢારશે ?
શેષ ઈચ્છા, ભગ્ન સપનાં, અણગમા સંભારણાં.
                                                  …..દિનેશ ડોંગરે ‘નાદાન’

Comments (8)

એટલું બસ છે

begonnia

 

 

 

 

 

 

 

ખોટી મોટાઈને મૂકી દઈ તું
જાતને જાણ એટલું બસ છે.

જાણવા જાતજાતની સ્થિતિ,
સ્થિર મન રાખ એટલું બસ છે.

સ્થિર જળ પણ કદી રહે નહિ તો,
કૈં સમજ સ્થાપ એટલું બસ છે.

અહીં સમજથી જ લાગણી થાયે,
થાય એ જ્ઞાન એટલું બસ છે.

જ્ઞાન કેવળ જરૂરી છે કિશોર,
કરવા ઉદ્ધાર એટલું બસ છે.
                     …..ડૉ. કિશોર મોદી

કિશોરભાઈએ આજે તેમની તાજેતરમાં જ લખેલ મુસલસલ ગઝલ
મોકલી છે, જેમાં ભાવકને સવારની તાજગીનો અનુભવ થયા વિના
નહીં રહે. જળ કદી પણ સ્થિર રહી શકતું નથી તો મનને સ્થિર
રાખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. એટલે જ સમજ જરૂરી છે. જીવનની
સફળતાનો બધો જ આધાર મનની સ્થિરતા ઉપર છે.

Comments (4)

સદીઓ ઉલેચી આવતો…

camellia

 

 

 

 

 

 

 

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે,
ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે.

કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા,
જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે.

ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને,
અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે.

દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં,
ભરતી, નદીના જીવનું ધસમસતું પૂર છે.

લોકો નશાનું નામ એને આપતા રહ્યા,
તમને મળી લીધાનું જ આંખોમાં નૂર છે.
                                                  …..અંકિત ત્રિવેદી

ગુજરાતી સાહિત્યનો કોઈ પણ કાર્યક્રમ હોય કે કવિતા-ગઝલનો
મુશાયરો હોય, અંકિતભાઈનું સંચાલન હોય તો એ કાર્યક્રમ સફળ
થવાનો જ. અંકિતભાઈ એનું સંચાલન દિલ અને ખંતથી કરી
કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દે ને શ્રોતાઓના દિલમાં ઊંડે ઊંડે
પોતાની એક દીર્ઘકાલિન છાપ મૂકતા જાય. ઉપરાંત તેઓ સુંદર
સંપાદન પણ કરે છે. અને વિશેષતઃ તેઓ પોતાની ઓળખ વિશે
પણ સજાગ છે. તેમણે, સંચાલન અને સંપાદનના ઝળાંહળાં
અજવાસમાં અટવાઈ ન જતાં, ગુજરાતી સાહિત્યના કાવ્ય પ્રકારને
ખૂબ સફળતાપૂર્વક ખેડ્યો છે અને ઉમદા કૃતિઓ આપી છે.
તેમની રચનાઓમાં ભાવ, ભાષા અને કથનના આગવા પરિવેશ
જોવા મળે છે.

Comments (8)

મળી શકતો નથી

Cactus

 

 

 

 

 

 

 

ખ્યાલ એનો તો ફળી શકતો નથી,
જે ઈશારો પણ કળી શકતો નથી.

એ દુનિયા આખીને મળતો રહે,
જે સ્વયંને પણ મળી શકતો નથી.

શું કરો છો વાત દિલની એને, જે
ખુદના દિલને સાંભળી શકતો નથી. 

ડગ ભરું છું એ તરફ કાયમ છતાં,
ફાસલો કેમે ટળી શકતો નથી.

મોજથી ક્યારેય ઊગી ના શક્યો,
એ સમય આવે ઢળી શકતો નથી.

રંગ જાણ્યો ના આપનો ‘સુધીર’,
ક્યાંય બીજે એ ભળી શકતો નથી.
                                                  …..સુધીર પટેલ

આજે માણીએ સુધીરભાઈની એક તાજી જ ગઝલ. જીવનમાં નકારાત્મક
વલણ ધરાવતો માનવી ક્યારેય મોજથી જીવી શકતો નથી કે કળી માફક
ખીલી શકતો નથી. ના ખુદનેમળી શકે છે કે ના દિલની વાત સાંભળી શકે
છે. કોઈની સાથે ભળવું તો જૂદી વાત, સમય આવે કોઈની સામે ઝૂકી પણ
શકતો નથી. સાવ સામાન્ય લાગતા રદીફ-કાફિયા પ્રયોજી કવિએ એળે
ગયેલા માનવીજીવનનો આબેહૂબ ચિતાર આપ્યો છે.

Comments (9)

છોડવાની વાત

balsam

 

 

 

 

 

 

 

 

 

 

ક્યાં અને ક્યારે અટકવું, છોડવાની વાત છે
દોસ્ત બાકીની બધી તો, દોડવાની વાત છે.

આયનો તો કાચનો છે, તૂટશે પળવારમાં
બિંબમાં ડોકાય છે, તે ફોડવાની વાત છે.

કાપતી વખતે નસેનસ લાગણીની વલવલે,
તોય સડતું હોય તેને તોડવાની વાત છે.

એ પછી વ્હેશે યમુના, નર્મદા, ગંગા, મહી
સૌ પ્રથમ તો જાતને બસ, ખોડવાની વાત છે.

હોય તારા હાથની સંખ્યા હજારોમાં ભલે,
જોઈ લે હેઠા પડે જ્યાં જોડવાની વાત છે.
                                                        …..છાયા ત્રિવેદી

Comments (4)

Older Posts »