Archive for June, 2009

ધુમ્મસની ધાર

આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
તોય મને દેખાતું બધું આરપાર.

સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું,
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર,
આજ મને વાગી ગઈ……

વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય,
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઈએ નહીં કોઈનો આધાર,
આજ મને વાગી ગઈ…..
                       -ડૉ. નીલેશ રાણા

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> Dr. Nilesh Rana

Comments (4)

खुदा छूटा !

आप कहते हो कि जहाँ छूटा,
हमको तो जिस्मका पता छूटा !

अब हमें ये भी ना रहा मालूम,
राहमें कौन फिर कहाँ छूटा ?

अब उसे कैसे, कौन समजाये ?
बूत पकड़ा तो फिर खुदा छूटा !

काम होता है उनकी मर्जीसे,
चाह छूटी, भला-बुरा छूटा !

जो भी आए जी में कहो ”सुधीर”,
मुद्दतोंसे कहा-सूना छूटा !
                        —सुधीर पटेल

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>>   સુધીર પટેલ

Comments (8)

સાદ પાડે….

સાદ પાડે માંહ્યલી દેરી મને,
આમ ઊભો થઉં છું ખંખેરી મને.

એક વળગણ એમ કૈં છૂટી ગયું,
કોઈ પહેરણ જેમ લઉં પહેરી મને.

વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં,
કોર દેખાઈ છે રૂપેરી મને.

જાત ઢંઢોળ્યા કરું છું હરવખત,
ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.

ઉકેલ્યો તો ઉકલ્યા સાતે જનમ,
કોઈ દેખાતું નથી વેરી મને.

ક્યાંય ના લાગું મને હું એકલો,
કોણ ઊભું હોય છે ઘેરી મને?
              – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (5)

તારે તો બહુ સારું છે

તારે તો બહુ સારું છે,
પડછાયાનું આખેઆખું પોત બસ હવે તારું છે.

કાંટાળી ઝાડીમાં પણ ના એક ઉઝરડો પડે,
પડછાયાને શું, એ વસ્ત્રો પહેરે કે પરહરે,
વાડ હોય કે વેલો, તારે બધે જ ખોડીબારું છે,
તારે તો બહુ સારું છે….

પવન વહે કે પાણી ના ખળભળવું કે ભીજાવું,
જ્યાં લગ છે આ હોવું ત્યાં લગ લાંબા-ટૂંકા થાવું,
તારું હોવું તારું ક્યાં છે એ પણ તો પરબારું છે,
તારે તો બહુ સારું છે….
                                     -રમણીક સોમેશ્વર

Comments (4)

કૈં લાગતું નથી

અમને કદી અજુગતું કૈં લાગતું નથી,
સમભાવમાં અપૂરતું કૈં લાગતું નથી.

દુનિયામાં વાણીની મીઠપ હોવી જોઇએ,
જિહ્વા ઉપર કસુતરું કૈં લાગતું નથી.

રાધા થવું બધાને બહુ ગમતું હોય છે
ક્યારે ય મોં કટામણું કૈં લાગતું નથી.

વાતાવરણ ભલેને ભારી આજ ખૂબ છે,
પણ મારું મન અણોસરું કૈં લાગતું નથી.

કિશોર સો વરસ પૂરેપૂરા જીવી ગયો,
એનું ક્યહીં અરાખડું કૈં લાગતું નથી.
-ડૉ કિશોર મોદી

કસુતરું= બગડી ગયેલું
કટામણું= નાપસંદગી દર્શાવતું
અણોસરું= ઉદાસ, અરાખડું= છાપ

અપરિચિત લાગતા કાફિયાના અર્થ સમજાય છે ત્યારે
પોતીકા ભાવવિશ્વનો અનુભવ થાય છે.

Comments (4)

ઝાકળ

રાતભર ફૂલનું દિલ બળે,
કીર્તિ જેવું ઝાકળ મળે.

માન હો કે અપમાન હો,
બન્નેમાં દશા ખળભળે.

લાગણીને શું દઉં હવા,
સહેજ તિરાડે નીકળે.

તું કહે તે મંજૂર હશે,
જો જરા આ પાંપણ ઢળે.

વાત થઇ શકશે આપણી,
જો અહંની આડશ ટળે.

ટેકરા-ખાડા નકશામાં,
સાવ સીધા છે કાગળે.

જે દુઆ તેં દીઘી નથી,
કોણ જાણે શાને ફળે !

આંખે વરસે વર્ષા પછી,
કોઇ વાદળની અટકળે.

‘કીર્તિ’ ત્યારે બસ ચેતજો,
દોસ્ત પાછળ ટોળે વળે.
કીર્તિકાન્ત પુરોહિત

Comments (7)

નગર

નગર (મોનોઇમેજ)
વૃક્ષ
હવે ક્યારે
આવી ચઢશે
આ નગરમાં ?
એ રાહમાં
પંખી બેઠા છે હારબંધ
સવારથી
અગાશીની પાળે !
00
નગરની
ગગનચંબી
ઇમારતો વચ્ચે
પોતાના હિસ્સાનું
મુઠ્ઠી એક
આકાશ શોધતા
થાકી ગયેલ
કાગડો બેઠો છે
આક્રોશ વ્યક્ત કરવા
વીજળીના થાંભલે
કાઉ કાઉ કરતો !
00
આ મહાનગરમાં
કોઇ બાગના વૃક્ષ તળે
જો એકાદ તૂટેલફૂટેલ
બાંકડો ન હોત તો ?
બિચારો લાચાર માણસ
કોની પાસે જઇને
મનની પછેડી ખોલત ?
00
નગરના
આભમાં
પોતાનું સ્થાન
અચલ રાખવા
પતંગને
એકમેકની સામે
રણે ચઢતી જોઈ
પારેવડા
બેસી ગયા છે
પાંખ સંકેલીને
ઊંચા મકાનની ગલેરીમાં !
00
ઊગતા સૂર્યે
હાથમાં જળનો કળશ લઈ
રોજ સવારે
કોઈ હસતો ચહેરો
પાણી સિંચવા
બાલ્કનીમાં આવી ચઢે તો ?
આ મહાનગરમાં
જરજરિત ડાલડાનાડબ્બામાં
મરવા વાંકે જીવતો
તુલસીનો છોડ
સોળે કળાએ ખિલી ઊઠે !
            -પ્રીતમ લખલાણી

Comments (4)

ઈતિહાસ બદલાવી શકે !

એક ક્ષણ ઈતિહાસ બદલાવી શકે,
વિસ્તરણ ઈતિહાસ બદલાવી શકે !

હોય કેવળ સત્યનો આધાર તો,
એક જણ ઈતિહાસ બદલાવી શકે !

યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો,
શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

દબદબો અકબંધ હો સંબંધનો,
તો, સ્મરણ ઈતિહાસ બદલાવી શકે !

થઈ જુઓ પ્રેમી, પછી સ્વીકારશો,
પ્રેમ પણ ઈતિહાસ બદલાવી શકે !

તારવી લ્યે જળ અને મૃગજળ અલગ,
તો, હરણ ઈતિહાસ બદલાવી શકે !

શક્ય છે, ઓછી પડે આ જિંદગી,
ત્યાં, મરણ ઈતિહાસ બદલાવી શકે !

હો ખુમારી પર્વતોનાં ધ્વંસની,
તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !
           –ડૉ. મહેશ રાવલ

Comments (9)

चाहिए !

एक खुला आसमान चाहिए,
चिडियों को उडान चाहिए !

एक ही दुनियासे कुछ नहीं होगा,
हरेक को एक जहान चाहिए !

सिर्फ़ चहेरा ही काफी नहीं होता,
चहेरे पर मुसकान चाहिए !

फिर जो होगा भला ही बस होगा
सोच पहले शुभान चाहिए !

तीर कितना ही तेज क्यूं ना हो ?
अचूक अपना निशान चाहिए !

ना हो जुंबिश जिस्ममें, ना सही;
होंसले पर जवान चाहिए !

फिर गझल खुद ही बोलेगी ”सुधीर”,
उसकी अपनी जुबान चाहिए !
                      …..सुधीर पटेल

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો> સુધીર પટેલ

Comments (9)

અઘરી વાત

રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે,
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે.

કોઈના ખભે ચઢીને એટલું જોઈ શક્યા,
વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે.

આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું,
મૂળ આ ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે.

ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો,
તો ય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.

આંખ દાબી કોઈ વર્ષા બાદ પૂછે કોણ હું ?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.

આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી,
આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે.
                     …..મહેન્દ્ર જોશી

Comments (3)

Older Posts »