Archive for June 17, 2009

જરૂરી છે ?

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેનાં હૈયાંને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે ?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે? છતાં ખુશ છું,
અહીં પણ વ્યથા તો બહુ… બધી સહેવી જરૂરી છે ?

નહીં તો જિંદગીની વારતા આગળ નહીં વધશે,
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
ઉદાસી ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.   
- કિરણ ચૌહાણ

Comments (4)