સ્નેહના ઝળહળતા ઝુમરમાં
એક બે નહીં પણ
એક સાથે હજારો દીપ
ઝગમગતા હોય છે ત્યારે
કાઉચમાં એકમેકની હુંફમાં
આપણા હાસ્યના ઊડતા ફુવારે
દીવાનખાનાની દીવાલો પીગળીને
ક્ષિતિજ લગી વિસ્તરી જતી હોય છે.
પણ કોઈ અણસમજણની ક્ષણે
નાની અમથી ચકમકે સરજાયેલા ભૂકંપે
નંદવાયેલા ઝુમરની વેરણછેરણ કણીઓને
ભલે આપણે વેદનાની સાવરણીએ
વારીઝુડીને સમયની ટોકરીમાં નાખી દીધી હોય !
પણ કોઈ સાંજે
એકાએક ખખડેલા
સંબંધના બંધ દ્વારને ખોલવા જતા
સ્મરણના ખૂણેખાંચરે રહી ગયેલ
એકાદ કણ ખૂંચી જાય છે
દ્વાર ખોલવા આતુર થયેલા પગમાં…..
ને બીજી જ ક્ષણે
લોહીલુહાણ પગને
ત્યાં જ થંભાવી દે છે
અક્કડ મન !
હવે તારે નાતો છે
ફક્ત પીડાથી
જેને તું
એક રેશમી વસ્ત્રની જેમ
ગમે ત્યારે
તન પરથી ઉતારીને
ટીંગાવી ન શકે
એકલતાની ઝુરતી ખીંટીએ !
-પ્રીતમ લખલાણી
સંપર્ક- preetam.lakhlani@gmail.com
Kirtikant Purohit said
Both ACHHCHHANDAS are very good.
Pancham Shukla said
સરસ કાવ્યો.
kishoremodi said
વાસ્તવિકતાની સુંદર અનુભૂતિ કરાવતું એક અનોખું કાવ્ય.પ્રીતમભાઇને અભિનન્દન
Heena Parekh said
બન્ને કાવ્યો ખૂબ સરસ. અભિનંદન.