નીંદ પણ હું ખ્વાબ પણ હું એવું શાને ?
સત્ય પણ હું તાગ પણ હું એવું શાને ?
એક ઇચ્છા માંડ મુઠ્ઠીમાં સમાણી,
એ જ પળ વિતરાગ પણ હું એવું શાને ?
ડોન-કિ-હોટે બની ઘૂમું જગતમાં,
ત્રસ્ત હું તલવાર પણ હું એવું શાને ?
ઝેરથી કાળો પડ્યો છું મારી જાતે,
ડંખ પણ હું નાગ પણ હું એવું શાને ?
કેમ આપોઆપ પરખાતો નથી હું,
મારી જાહેરાત પણ હું એવું શાને ?
ચાલ ભીતરના અરીસાને જ પૂછું,
હું જ અંદર, બ્હાર પણ હું એવું શાને ?
કીર્તિના ફૂરચા ઊડે એવી સુરંગો,
પાથરી દેનાર પણ હું એવું શાને ?
…કીર્તિકાન્ત પુરોહિત
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો– Kirtikant Purohit
ડોન-કિ-હોટે = તે જ ટાઇટલ ધરાવતી જગવિખ્યાત નવલકથાનું
અમરપાત્ર છે. સ્પેનીશ લેખક મીગ્યુઅલ દિ સેરવાંટેસ દ્વારા સર્જાયેલી
આ અમરકથામાંના બે પાત્રો ડોન કિ હોટે અને સાંકોપાંઝા પણ
જગસાહિત્યમાં અમર થઇ ગયાં છે. આ નવલકથા દસ વર્ષના અંતરે
બે ભાગમાં પ્રગટ થઇ છે.