Archive for July 7, 2009

અશ્રુ વહાવ્યાં

માણસોએ માણસોને લ્યો, બનાવ્યા
ક્યાં હસાવ્યા બહુ ? વધારે છે રડાવ્યા.

શોખ કે આનન્દ ખાતરના ગુના સૌ,
કેટલા નિર્દોષનાં જીવન ગુમાવ્યા !

એકનો પણ ના મળ્યો ઉત્તર કદીયે,
ભીતરે કાયમ ઘણા પ્રશ્નો પૂછાવ્યા.

ભાન ભૂલી આમ દુષ્ક્રુત્યો કરીને,
આત્માને સેંકડો શાને સતાવ્યા ?

તોડી નિયમો, કાયદા તોડી ખરેખર,
વાલીઓની રાત ને નિદ્રા હણાવ્યા.

હે પ્રભુ ! શ્રદ્ધા મરી પરવારી છે જો,
કાળજું કંપાવનારી વાતે ડરાવ્યા.

તંગ છે પરિસ્થિતિ ઈંસાનિયતની,
જાળવીને ગુપ્તતા ઘાવો છુપાવ્યા.

જીવવું ઓથાર હેઠળ નિત્ય ભય,
ધ્રૂજતા અસ્તિત્વને હરપળ મનાવ્યા.

હોય છે બસ હદ સહન કરવાની, મિત્રો !
નીતિ ને મૂલ્યોએ ખુદ અશ્રુ વહાવ્યાં.
                             -ડૉ. દિલીપ મોદી

સંપર્ક::   drdilipmodi@yahoo.com

Comments (7)