Archive for July 9, 2009

અલગારું

ઝખ્મ ઉખેડીને જોયા એટલા સારું,
લોહી પણ મારું હતું ને પાપ પણ મારું.

કોઇનું અસ્તિત્વ કાયમ જીવવા મથતો,
એટલે તો હરકદમ ને હરપળે હારું.

ચોતરફ મીઠી નદીઓ ઠાલવી થાક્યો,
ના ગમ્યું’તું દરિયાને રહેવું સદા ખારું.

દીવડો માથે સતત મૂકી ઉભો તોયે,
થાંભલાને વેઠવાનું હોય અંધારૂં.

મોતનું કોઇ બહાનું હોય ના, જોજે
હું તને આવી મળી જઉં સાવ પરબારું.

આંકડામાં ‘કીર્તિ’ને બાંધે ભરમ રૂડા,
સાંકળો કાપી બચાવે શૂન્ય અલગારું.
                    -કીર્તિકાન્ત પુરોહિત

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>  Kirtikant Purohit

Comments (3)