છો હો ધુલમુલ દિશાઓ
ને ડગુંમગું ટાંટિયાં,
આંગળી ઝાલી ચાલતા
શિશુની ટેકણ-લાકડી આપ છો.
જિંદગીને
અજવાળતી દિશાના
આધાર આપ છો.
ઝલમલતા આ
ઝાંઝવાને પાર
રસેભર્યા રણકલ્પ
તે આપ છો.
ચોમેર ધુંધવાતા
ભડભાંખર
ભાંભરાને ભેદી
ઊગતા સૂરજ તણો
આત્મભાવથી ભરેલો
ભરોસો આપ છો.
તાપનો પ્રતાપ અને
વિશ્વાસનો શ્વાસ આપ છો.
ને માંડ
મીટ માંડવા મથતી
નજરના નેજવાનો
અણનમ આધાર આપ છો.
-સુમન અજમેરી