Archive for July 15, 2009

વરસાદમાં

આંખ શાને દડદડે વરસાદમાં ?
યાદનાં ફોરાં પડે વરસાદમાં.

રોમરોમે હું શ્વસું માદક ક્ષણો,
ભીતરે મસ્તી ચડે વરસાદમાં.

ઓઢીને છત્રી નીકળતો હોઉં ને,
આ પવન કાયમ લડે વરસાદમાં.

રાતભર પડખાં હું ફેરવતો રહ્યો,
જાગવાનું આવડે વરસાદમાં.

માની લે, નહિ માનવા જેવી કથા,
ટેરવાં સૂકાં અડે વરસાદમાં.

જિંદગી ક્યાં જિંદગી છે જિંદગી ?
‘ હોવું ‘ મારું ખુદ રડે વરસાદમાં.

હરપળે શોધ્યા કરું છું હું ‘ દિલીપ ‘,
વહાલનો ચહેરો જડે વરસાદમાં.
                       – ડૉ. દિલીપ મોદી

સંપર્ક:   drdilipmodi@yahoo.com

Comments (9)