Archive for July 17, 2009

મનજી

બે કદમ આગળ રહે તે મૃગજળ મનજી,
વીરડામાં જળ ધરે તે આ પળ મનજી.

રેશમી અંધાર ઇચ્છાનાં ગોરંભે,
પ્યાસ પર વરસી પડે તે વાદળ મનજી.

નાકની દાંડી પરે ઉભા ટેકીલા,
કોઈ પદ પર ના ટકે તે ચંચળ મનજી.

ના સમાયાં આંખમાં ના આંજ્યાં સ્વપન,
આંસુ ભેગાં નીતરે તે કાજળ મનજી.

છે ઉબડખાબડ ધરા ને સૂકી વાડી,
ઠોકરોમાં ફળ મળે તે અંજળ મનજી.

પોત એનું પાતળું ના માની લેશો,
ભૂખને ઝીલી શકે તે પાતળ મનજી.

તું કરે ભીનાશના  છોને વરતારા,
પણ સમય સાથે ઉડે તે ઝાકળ મનજી.

શોધ બીજું માપ ને નોખાં પરિમાણો ,
કીર્તિને ટુંકા પડે તે ઘનફળ મનજી.
                        -કીર્તિકાન્ત પુરોહિત

Comments (4)