Archive for August, 2009
August 31, 2009 at 8:02 am
· Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
ડૂબે ઘર જુઓ, આખેઆખું ડૂબે છે,
દીવાલોની વચ્ચે દીવાલો ડૂબે છે.
હજી કોઈ કેવટ હજી કોઈ નૈયા,
હજી કોઈ શ્રદ્ધા ચરણરજ ચૂમે છે.
રખે એને કોઈ ગણી લેતા આંસુ,
સ્થળાંતર થયેલું એ સપનું લૂછે છે.
ઘણાયે પ્રયાસો કરીને એ થાક્યો,
મને કોઈ મારાથી અળગો મૂકે છે.
સરોવરમાં પૂનમ ખીલેલી બતાવું,
મને કોઈ તારો પરિચય પૂછે છે.
-સુરેન્દ્ર કડિયા
Permalink
August 30, 2009 at 7:49 am
· Filed under ગઝલ, દત્તાત્રય ભટ્ટ
અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
નિરાકારી નિરંજન રૂપને આવકારવા બેઠા.
દલીલો પર નથી નિર્ભર છતાં એના જ ટેકા લઈ,
જગતના મૂળ એવા તત્વને આધારવા બેઠા.
રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.
બધાયે ભાવ સંવેદન તરલ પાણી હવા જેવા,
અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.
નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.
-દત્તાત્રય ભટ્ટ
Permalink
August 29, 2009 at 7:12 am
· Filed under ગઝલ, બકુલ રાવળ
હું મારી હયાતી નિભાવ્યા કરું છું,
સમયની દીવાલે ચણાયા કરું છું.
ઘણા માર્ગ છે પણ જવું કઈ દિશાએ ?
મથામણમાં પાસેનું ખોયા કરું છું.
હકીકત હથેળીથી સરકી રહી છે,
ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું.
વીતેલી પળોને ફરી માણવાને,
વસંતોને નાહક વગોવ્યા કરું છું.
બરફના પહાડો સમી જિંદગીમાં,
સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું.
ભર્યુંભાદર્યું ઘર ને હું તો અજાણ્યો,
અજબ છે તમાશો , નિહાળ્યા કરું છું.
– બકુલ રાવળ
Permalink
August 28, 2009 at 7:41 am
· Filed under ગઝલ, રાઝ’ નવસારવી
આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.
તારા વિષેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવા નવા.
મંજિલ મળી શકે છે સરળતાથી એમ તો,
રસ્તાથી છું અજાણ ને રાહબર નવા નવા.
તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.
મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે જીવ એ તો કલેવર નવા નવા.
- ‘રાઝ’ નવસારવી
Permalink
August 27, 2009 at 8:43 am
· Filed under ગઝલ, જયંત વસોયા
ગ્રંથમાં કે અન્ય ઘટનામાં નથી,
છે ખરું પણ સત્ય અથવામાં નથી.
બિંબને ઓળખ, ત્યજી પ્રતિબિંબ તું
તારું સાચું રૂપ તક્તામાં નથી.
માર્ગ સાચો, છે મુસાફર પણ ખરો
તોય મંઝિલ સાવ રસ્તામાં નથી.
એક છત નીચે નિકટ સૌ આપણે
એનું શું જે ભીંત નકશામાં નથી ?
ના કદી મારો પરાજય સંભવે,
કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં નથી.
-જયંત વસોયા
Permalink
August 26, 2009 at 7:47 am
· Filed under ડૉ. દિલીપ મોદી, વિશેષ
કવિ શ્રી દિલીપ મોદીએ તેમના વિચારો અહીં ‘અહેસાસ’ ગઝલસંગ્રહ (2007)માં
વ્યક્ત કર્યા છે, તેમણે જીવનમાં જે કંઈ અનુભવ્યું એ બધું તેમની ગઝલોમાં
ઊતરી આવ્યું હોય એમ ‘અહેસાસ’માંથી પસાર થતાં સુજ્ઞ ભાવકને લાગ્યા
વગર રહે નહીં. તેમની જીવનાનુભૂતિની આરસી સમાન કેટલાક શેર જોઈએ-
પ્રેરણા છે, પ્યાસનો શણગાર છે,
જિંદગીનો આ વ્યથા આધાર છે.
*
આપણો સંબંધ તૂટ્યો છે ભલે,
પાન માફક રોજ ચાવું છું હજી.
*
તું નથી ને જિંદગી લાગે અધૂરી,
આ સમય થાકી ગયો છે ઝૂરી ઝૂરી.
*
આ પ્રતિક્ષાને સતત લાગ્યા કરે છે,
ઓરડાનું બારણું જાણે ખખડતું !
*
લ્યો અજાણ્યા ભય તળે જીવું છું હું,
તથ્યના આભાસમાં લટકું છું હું.
*
કોરી આંખોના ખૂણા પલળી ગયા છે,
શી રીતે ગઝલમાં લખવી વાત પૂરી ?
-ડૉ. દિલીપ મોદી
Permalink
August 25, 2009 at 6:55 am
· Filed under ગઝલ, સુનીલ શાહ
સમય સાથે સતત આગળ જવું અમને નહીં ફાવે,
અમે બિનધાસ્ત છીએ, દોડવું અમને નહીં ફાવે.
હજીયે ભીતરે ભીનાશ મારામાં યથાવત્ છે,
ન ઊગે, બીજ એવું રોપવું અમને નહીં ફાવે.
હશે મસ્તી ભરી જો રાત તો ઝૂમી લઇશું દોસ્ત,
લઇને જામ ખાલી નાચવું અમને નહીં ફાવે.
ભલે થોડી ક્ષણો ઝાકળની માફક બાથમાં લે કોઈ,
મિલનની પળ વિનાનું જીવવું અમને નહીં ફાવે.
અમે રાતોની રાતો પડખાં ઘસ્યાં છે, તમારા સમ..!
હવે એ કલ્પનામાં રાચવું અમને નહીં ફાવે.
તમે આ કાફલામાંથી અલગ થઈ જાવ તો કહી દઉં,
સતત ટોળું હશે ત્યાં બોલવું અમને નહીં ફાવે.
-સુનીલ શાહ
Permalink
August 24, 2009 at 8:39 am
· Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એ જ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ.
એક નદી કાંઠાઓ પાછા તોડવા,
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં,
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.
-વિવેક મનહર ટેલર
Permalink
August 23, 2009 at 7:31 am
· Filed under ગઝલ, ડૉ. મહેશ રાવલ
જે તફાવત રાખવા તત્પર હતા,
એ બધા ક્યાં એટલા સધ્ધર હતા !
વેંત છેટું મોત પણ દેખાય નહીં,
આંખ સામે કંઈ વકલના થર હતાં !
એકમાંથી નીકળો, બીજે ફસો
જિંદગીમાં કેટલાં ચક્કર હતાં !
મેં ય પીધા ઘૂંટ કડવા આખરે,
એ જ, શું સંબંધના વળતર હતાં ?
સૂર્ય જેવા સૂર્યને લાગે ગ્રહણ,
તો મનુષ્યો, કઈ અસરથી પર હતા !
માન્યતા ખોટી ઠરી છે, ઘર વિષે
ઈંટ, રેતી, પથ્થરોનાં થર હતાં !
કેમ અંકિત થઈ શકે ઈતિહાસમાં?
ક્યાં હવે એવા સુવર્ણાક્ષર હતા !
-ડો.મહેશ રાવલ
વકલ= જાત, તરેહ
Permalink
August 22, 2009 at 8:49 am
· Filed under અનિલ ચાવડા, ગઝલ
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે.
નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.
કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને ઢાંકવા માટે.
સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધા તો ખારવા માટે.
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.
-અનિલ ચાવડા
Permalink
Older Posts »