Archive for September, 2009
September 30, 2009 at 7:36 am
· Filed under કવિતા/ગીત, ભગીરથ બ્રહ્મભટ્ટ
ઘણાં બધાં તો વૃક્ષો વેચે કોક જ વ્હેંચે છાયા,
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.
તલના ભેળા ભળ્યા કોદરા
દાણે દાણો ગોત,
સાચજૂઠના તાણે વાણે
બંધાયું છે પોત,
પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં.
ક્ષુધા કણની, મણની માયા
ઘણા બધાને વળગી,
ઘણા ખરાની દરિયા વચ્ચે
કાયા ભડભડ સળગી,
જબરા જબરા ઊણા અધૂરા કોક જ વીર સવાયા.
-ભગીરથ બ્રહ્મભટ્ટ
Permalink
September 29, 2009 at 7:47 am
· Filed under ગઝલ, સુધીર પટેલ
સુરાહી કૈં સભર કોણ દેશે ?
તરસ પણ તરબતર કોણ દેશે ?
મને પૂછો અગર કોણ દેશે ?
કહું તારા વગર કોણ દેશે ?
મળે છે બાતમી વિશ્વભરની,
મને ખુદની ખબર કોણ દેશે ?
ભીતર જોઈ શકું બહાર જેવું જ,
મને એવી નજર કોણ દેશે ?
ન પાળું મૌન તો શબ્દને પણ,
પછી ધારી અસર કોણ દેશે ?
મળે જો એમ મંજિલ તો ‘સુધીર’,
જીવનભરની સફર કોણ દેશે ?
-સુધીર પટેલ
૨૫ સપ્ટેમ્બર- શ્રી સુધીરભાઇનો જન્મદિવસ
આપણા સૌ તરફ્થી કવિશ્રીને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ
Permalink
September 28, 2009 at 7:46 am
· Filed under કીર્તિકાન્ત પુરોહિત, ગઝલ
લાગણીમાં શૂન્યતા, મોં પર વિનય છે,
માનવીને ભીતરે ખુદથી જ ભય છે.
બોલ પર એના અગર તું કાન માંડે,
વારતાઓ તો પવન પાસે અક્ષય છે.
હિંચકે બેઠા, બધી ઇચ્છા પૂરી થઇ !
માનજો તે ક્ષણ જીવનનો બસ પ્રલય છે.
સાંજરે પડવાનું, રાત્રે અંધ પાટા,
તેજછાયાના આ તે કેવાં વલય છે.
એક વણવાંચી ચબરખી ખોઇ નાખી,
કોઇ અણજાણ્યા સબંધોનો વિલય છે.
જીવ તો માચીસની દીવાસળી શો,
ટોચકેથી આખરે બળવું ય તય છે.
કોઇ પ્રત્યાયન નથી ના કોઇ ઓળખ,
ત્યાંય ધબકે જોરથી તો એ હ્રદય છે.
તાડપત્રીનું ભલે ઢાંકણ બને છત,
ઉંઘ આવે તો સમજજો ત્યાં નિલય છે.
જાતને અળગી કરીને સોંપવાની,
’કીર્તિ’ બીજું કૈં નથી ખુદનો વિક્રય છે.
-કીર્તિકાન્ત પુરોહિત
Permalink
September 27, 2009 at 7:42 am
· Filed under કવિતા/ગીત, કિરીટ ગોસ્વામી
કોરો દિલનો ફાયો,
તારા પ્રેમના એક જ ટીપે
તાર-તાર ભીંજાયો !
અવાવરું ને ખાલી કોઈ વાવ હતું આ મન
કાયમ ભીતર અંધકારમાં ઊગતાં વનનાં વન
પળમાં સઘળું ઝળહળ
તું લઈ જ્યોત સનાતન, આયો !
કોરો દિલનો ફાયો….
બાજે નવખંડ નોબત ઝીણી, રણઝણ રોમેરોમ
છે તાર સુમિરનની આઠે પ્હોર- સાહ્યબી ધોમ
શ્વાસ-શ્વાસમાં થઈને સમજણ
તું બસ, તું જ સમાયો !
કોરો દિલનો ફાયો…..
-કિરીટ ગોસ્વામી
Permalink
September 26, 2009 at 8:14 am
· Filed under ગઝલ, ધ્વનિલ પારેખ
છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો,
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.
એક રસ્તે જિન્દગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.
એક–બે શબ્દોમાં પણ જીવન પ્રગટ કરવું પડે,
ટૂંકમાં સમજી ગયો એ આખરે માણસ હતો.
ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિન્દગી ?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.
એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ ? – આખરે માણસ હતો.
-ધ્વનિલ પારેખ
Permalink
September 25, 2009 at 8:11 am
· Filed under કવિતા/ગીત, મુકેશ જોશી
આજે તારો કાગળ મળ્યો,
ગૉળ ખાઈને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો.
એક ટપાલી મૂકી હાથમાં….. વહાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી ફળ્યો
આજે તારો…..
તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો.
આજે તારો…..
એકેએક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું, મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો.
આજે તારો…..
-મુકેશ જોશી
Permalink
September 24, 2009 at 8:25 am
· Filed under કવિતા/ગીત, સંદીપ ભાટિયા
ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી,
ગામલોકમાં વાતો ચાલે ગિરિધર કામણગારાજી.
થાળ ભરીને અમે ધરાવ્યાં કાચાંપાકાં જીવતરજી,
પ્રેમથી જમજો અહો મુરારી, સ્મિત, સપન ને કળતરજી,
હૃદય વલોવી મિસરી લાવ્યા ઘેલા રે મહિયારાજી.
ઝાંખીપાંખી…..
રૂંવેરૂંવે દીવા મોહન અંગે અંગે ઝાલરજી,
મંદિરને એક ખૂણે ઊભા લઈ પાંપણની ચામરજી,
ડૂબતી આંખોને છેવટના તમે તૃણસધિયારાજી.
ઝાંખીપાંખી….
-સંદીપ ભાટિયા
Permalink
September 23, 2009 at 7:53 am
· Filed under ગઝલ, મનહર જાની
સળગતું ઘર મને મળશે મને એવી ખબર નહોતી,
પવન મારો પીછો કરશે મને એવી ખબર નહોતી.
ભરી મહેફિલમાં ભય નહોતો મને ક્યારેય કોઈનો,
અજાણ્યાં કોઈ આંતરશે મને એવી ખબર નહોતી.
ગઝલમાં તું કહે તે હું નહીં સમજી શકું સાકી,
અહીં અવળી અસર પડશે મને એવી ખબર નહોતી.
હવે તું તારી જીભે ન્યાય કર ફૂલનો ને પથ્થરનો,
નજર નાકામ નિવડશે મને એવી ખબર નહોતી.
ભલા ઉપકાર તારો તેં મને દીવાનગી આપી,
કદી પાષાણ પીગળશે મને એવી ખબર નહોતી
નિવેદનમાં કશું કહેવું નથી મારે હવે મનહર,
ખુદા આ વાત સાંભળશે મને એવી ખબર નહોતી.
-મનહર જાની
Permalink
September 22, 2009 at 7:41 am
· Filed under ગઝલ, પ્રમોદ અહીરે
ઉદ્દેશ શું છે ? શું નથી ? હું જાણતો નથી,
હું શું છું ? શું છે જિન્દગી ? હું જાણતો નથી.
મારાય હાથમાં હતી એક રેખ ભાગ્યની,
તકદીર કોનું એ બની ? હું જાણતો નથી.
છે યાદ એટલું કે જતો’તો વહાણ લઈ,
ક્યારે સુકાઈ ગઈ નદી ? હું જાણતો નથી.
કાગળ પરથી રંગ સતત નીતરે છે જો !
પીંછી રડે છે કે છબી ? હું જાણતો નથી.
સ્વીકાર કરવો હોય તો જેવો છું તેવો કર,
ભરચક છું કે છે કંઈ કમી ? હું જાણતો નથી.
-પ્રમોદ અહીરે
Permalink
September 21, 2009 at 7:48 am
· Filed under કવિતા/ગીત, ચંદ્રકાન્ત શેઠ
હર્યુંભર્યું હસવું છે મારે,
વ્હાલ મહીં વસવું છે મારે !
સાચ હોય ત્યાં શીળી છાયા,
ત્યાં જ બાંધવી માયા;
મૂળ નાખતાં વિસ્તરવું ત્યાં,
જ્યાં હરિવર હરખાયા !
મળ્યું કનક તો કસવું મારે,
સકળ સુધાથી રસવું મારે !
હર્યુંભર્યું….
ધરવ હોય ત્યાં ધરતી મારી,
તપ ત્યાં તીરથ સારાં;
સમતા જ્યાં ત્યાં રામ રમંતા,
ત્યાં મંદિર સૌ મારાં !
ગોરસ મળ્યું પીરસવું મારે,
વેણુસ્વરે વિકસવું મારે !
હર્યુંભર્યું…..
-ચંદ્રકાન્ત શેઠ
ધરવ= સંતોષ
Permalink
Older Posts »