કવિએ અહીં બે ગઝલની પંક્તિઓ ક્રમશઃ જોડીને એક નવી ગઝલ લખી છે.
ગઝલ ક્ષેત્રે આ પ્રકારના પ્રયોગો ખૂબ ઓછા થયા હોય એમ જોવા મળે છે.
બંને ગઝલો પોતાની આગવી છટામાં આગળ વધે છે અને એકબીજી સાથે
મળી એક નિરાળું રૂપ ધારણ કરી એક સ-રસ સાંગોપાંગ ગઝલમાં પરીણમે છે-
ક્ષિતિજે ધરતી-આકાશના મિલન સમાન ! આશા છે ત્રણે રચનાઓના મિજાજનો
તરંગેતરંગ ભાવકોને માણવો ગમશે…….
૧.
સાંનિધ્ય લઈને
આ જીવનમાં કાઈનું સાંનિધ્ય લઈને,
પોતીકી પરછાંઇ પરનું સાંનિધ્ય લઈને.
ચેતનારૂપે મને કોઇ જગાડે,
રોજ સૂરજ-શાઈનું સાંનિધ્ય લઈને.
ચિત્ત વૃંદાવન સમું આનંદી ઊઠે,
યાદની શરણાઈનું સાંનિધ્ય લઈને.
એ રીતે તારા વગર જીવી જવાશે,
એકલી તનહાઈનું સાંનિધ્ય લઈને.
ખુશ્બૂમય ઘટનાનું નભ થાજે તું કિશોર,
કોઈ ઈચ્છિત જાઈનું સાંનિધ્ય લઈને.
2.
ખોવાઈ જવું છે
આ અખિલાઈમાં ખોવાઈ જવું છે,
અણદીઠી છાંઈમાં ખોવાઈ જવું છે.
ગામની વાસંતી ઘટનાને સુહાવી,
મ્હોરતી જાઈમાં ખોવાઈ જવું છે.
છો નગર મેવાડનું વેરાન લાગે,
પણ મીરાંબાઈમાં ખોવાઈ જવું છે.
મૌનનું એકાંત પાછું ઝલમલે છે,
ખુદની તનહાઈમાં ખોવાઈ જવું છે.
શબ્દનો સંગાથ પણ કેવો મળ્યો છે !
અહીં ગઝલ-શાઈમાં ખોવાઈ જવું છે.
૩.
અખિલાઈમાં
આ જીવનમાં કાઈનું સાંનિધ્ય લઈને આ અખિલાઈમાં ખોવાઈ જવું છે,
પોતીકી પરછાંઇનું સાંનિધ્ય લઈને અણદીઠી છાંઈમાં ખોવાઈ જવું છે.
ચેતનારૂપે મને કોઇ જગાડે, ગામની વાસંતી ઘટનાને સુહાવી
રોજ સૂરજ-શાઈનું સાંનિધ્ય લઈને મ્હોરતી જાઈમાં ખોવાઈ જવું છે.
ચિત્ત વૃંદાવન સમું આનંદી ઊઠે, છો નગર મેવાડનું વેરાન લાગે
યાદની શરણાઈનું સાંનિધ્ય લઈને પણ મીરાંબાઈમાં ખોવાઈ જવું છે.
એ રીતે તારા વગર જીવી જવાશે- મૌનનું એકાંત પાછું ઝલમલે છે,
એકલી તનહાઈનું સાંનિધ્ય લઈને ખુદની તનહાઈમાં ખોવાઈ જવું છે.
ખુશ્બૂમય ઘટનાનું નભ થાજે તું કિશોર, શબ્દનો સંગાથ પણ કેવો મળ્યો છે !
કોઈ ઈચ્છિત જાઈનું સાંનિધ્ય લઈને અહીં ગઝલ-શાઈમાં ખોવાઈ જવું છે.
-ડૉ. કિશોર મોદી