સમજાતું નથી

એક પગલું પણ પછીથી ક્યાંય દેવાતું નથી ,
એમની શેરીથી આગળ ગામ લંબાતું નથી .

ઝાડમાં સૂનકાર થઇ સંશય ફરે છે કાષ્ટનો ,
ડાળ પર બેસીને પંખી જ્યારથી ગાતું નથી .

એક પલભર ઓઢણીને એમણે ટાંગી હતી ,
એજ ખીંટી ઝાડવું થઇ જાય : સમજાતું નથી .

સાવ મૂંગા થઇ તમે તો કંદરાને માપતા ,
પ્રશ્ન બોદો ના કરો કે કેમ પડઘાતું નથી ?

એક પારેવું હજી હાંફે અમારા વક્ષમાં ,
આવડું આ આભ અમથું એમ ઊચકાતું નથી !

બંધ પાંપણ ,બંધ બારી ,બંધ દરવાજા કરો ,
દ્રશ્ય આંખોમાં વસેલું એમ બદલાતું નથી .

એટલે જાહેરમાં વરસાદ કોરો લાગતો ,-
ઓરડામાં કોઈ અંગત નામ ભીંજાતું નથી .

– હેમંત ગોહિલ “મર્મર

8 thoughts on “સમજાતું નથી

  1. Kirtikant Purohit

    સાવ મૂંગા થઇ તમે તો કંદરાને માપતા ,
    પ્રશ્ન બોદો ના કરો કે કેમ પડઘાતું નથી ?

    સુંદર રચના.

    Reply
  2. Kauresh D. Vachhrajani

    Badha j sher saras ane shabdo ni sajavat manva layak.Ek sher ma vruksh kasth bane ne bija ma khinti bane vruksh!!

    Reply
  3. અશોક જાની 'આનંદ'

    એક થી એક ચઢિયતા શે’ર, ખુબ મજાની ગઝલ… વાહ..!!

    Reply
  4. kishoremodi

    બંધ પાંપણ,બંધ બારી, બંધ દરવાજા કરો
    દૃશ્ય અાંખોમાં વસેલું એમ બદલાતું નથી.
    પહેલાં ત્રણ શે’ર કરતા બાકીના શે’ર વધુ નાવિન્યસભર થયા છે અભિનંદન

    Reply

Leave a comment