તો આવું

હદ બધીયે મિટાવ તો આવું,
તું ઇજન મોકલાવ તો આવું.

ભૂલી જા- દર્દ છે, ઉદાસી છે,
સ્વપ્ન આંખે સજાવ તો આવું.

રોજ તડકો હશે ને છાંયો પણ,
રોજ ઉત્સવ મનાવ તો આવું.

કોઇ દરકાર કે નથી પરવા,
આશ હૈયે જગાવ તો આવું.

રેડ-કાર્પેટ બિછાવ તોયે શું,
ભાવ થોડો બતાવ તો આવું.

-પ્રવીણ શાહ

આગ છે

એક ભીના સંસ્મરણની આગ છે,
હોડમાં મૂકેલ આખો બાગ છે.

રાહ તારી હું હવે જોતી નથી,
તોય લાગે, ક્યાંક બોલ્યો કાગ છે.

હું અવશ અટકી પડું તારા વગર,
આ અધૂરા લોક કહે છે, ચાગ* છે.

ચાલને મેળે મળીશું મનભરી,
ભીડમાં એકાંત જેવો લાગ છે.

શાંત સ્વર છે, શાંત છે વાતાવરણ,
ના મિલનનો, ના વિરહનો રાગ છે.

હાશ, નજરું કોઇની ના લાગશે,
હાશ, કે મારી ચુનરમાં દાગ છે.

– મીનાક્ષી ચંદારાણા

*ચાગ = લાડ, પ્યાર

રુખસત આપો

ના ફાવે તો રુખસત આપો,
શ્વાસ લેવાની ફુરસત આપો,

કાં તો અહીંયા બરકત આપો,
યા કાશીમાં કરવત આપો.

એક વગર ચાલી જાશે અહીં,
પૈસો, નહીં તો ઇજ્જત આપો.

હાડે – હાડે હામ ભરી છે,
લઈ લો પગ, કાં પરવત આપો.

ઠાલે ઠાલો જાય ટપાલી,
કોરો, પણ માનો ખત આપો.

– અશ્વિન ચંદારાણા

લાગે છે

અશ્રુઓ ધારદાર લાગે છે,
લાગણીની કતાર લાગે છે.

સ્વપ્નની જાળને બિછાવીને,
રાત થઇ ગઇ ફરાર લાગે છે.

ના ગમે તમને જો રહું છું ચૂપ,
બોલું કંઇ તો પ્રહાર લાગે છે?

રાહ સાચી મળી છે મંઝિલની,
મારો બેડોય પાર લાગે છે.

દર્દનો મેં કર્યો ‘પથિક’ અભ્યાસ,
આ ગઝલ સારવાર લાગે છે.

– જૈમિન ઠક્કત ‘પથિક’

ખાલી થયો છું

હવે એમ લાગે છે ખાલી થયો છું,
યુગોથી હું ખુદને ઉલેચી રહ્યો છું.

નથી કોઈ અફસોસ છૂટી ગયાનો,
ન’તી મરજી તારી એ સમજી ગયો છું.

ટકેલી રહે શ્રદ્ધા લોકોની માટે,
મને હું ખુદા જેમ અઢળક ફળ્યો છું.

બરફ જેમ કાયમ ન થીજી શક્યો છું,
છે થોડાક કિસ્સા હું જેમાં દડ્યો છું.

જગતના હિતો પણ મેં ધ્યાને ધર્યા છે,
ચલાવીને રથ હું તો યુદ્ધો લડ્યો છું.

હું કડવો જ લાગ્યો છું આરંભમાં દોસ્ત,
ગળી જઈશ તો લાગશે હું ગળ્યો છું.

કટોરે ભળેલો હતો હું જ ક્યારેક,
ને ક્રોસે કદી ચોક વચ્ચે ચડ્યો છું.

– જિગર ફરાદીવાલા

એકાદ પાસે

તરજ અજમાવજે ઉસ્તાદ પાસે,
સૂરો મળશે અનાહત નાદ પાસે.

નિયમ છે તે મુજબ વર્ત્યા હશો પણ,
ઉપાયો તો બધા અપવાદ પાસે.

નથી એ વહેંચવાનું તે ખબર છે,
છતાં કહેજે દરદ એકાદ પાસે.

સંબંધોને મુલવવા છે? એને મળ,
ઘણા નુસખા હશે નાશાદ પાસે.

ગઝલમાં ‘કીર્તિ’ ચાલ્યા’તા સતત પણ,
જરા અટકી ગયા’તા દાદ પાસે.

– કીર્તિકાન્ત પુરોહિત

કણી પણ છે

દાઢમાં ખૂંચતી કણી પણ છે,
એમ સગપણમાં લાગણી પણ છે.

બે જ ઉપલબ્ધિ છે સફરની અહીં,
સાથ છે ને સતામણી પણ છે.

યાદ ક્યાં રહે છે ફૂલતી વેળા,
હોય જ્યાં ફુગ્ગો, ટાંકણી પણ છે.

આમ અજ્ઞાત મન થતું ખુલ્લું,
સ્વપ્ન વર્તુળનું છે, અણી પણ છે.

દોષ ‘જોશી’ બધો ન દુનિયાનો,
એક બે ભૂલ આપણી પણ છે.

– હેમાંગ જોશી