નિષ્ક્રર્ષ મોકલજે

જો તારાથી બને, તો શબ્દનો નિષ્ક્રર્ષ મોકલજે,
ફુલો મુરઝાઈ જાશે, તું મને બસ અર્ક મોકલજે.

વ્યથા જો ‘હું’ અને ‘તું’ની જ પલ્લે મુકવાની હો,
સહજ બે ભાગમાં વ્હેંચાય એવું દર્દ મોકલજે.

વિષય તારો જ હો તો પણ ઉઠે સંદેહ જો મનમાં,
કરું સંદેહ પર સંદેહ, એવો તર્ક મોકલજે.

બધાં મરનાર સીધા સ્વર્ગ પ્હોંચે છે, પ્રભુ સાંભળ,
મને ગમતી નથી બહુ ભીડ તેથી નર્ક મોકલજે.

કદી ઘેરી વળે જો ‘સૂર’ને મહેફિલમાં ઉદાસી,
પ્રસારે રોમે રોમે હર્ષ એવી તર્જ મોકલજે.

– સુરેશ પરમાર ‘સૂર’

13 thoughts on “નિષ્ક્રર્ષ મોકલજે

  1. Pravin Shah

    સૂર મહેફિલમાં હોય તો ઉદાસી કેવી ?

    મત્લાથી મક્તા સુધી એક જૂદી જ ભાત ઉપસાવતી સુંદર ગઝલ !

    અભિનંદન !

    Reply
  2. Dhruti Modi.

    બધાં મરનાર સીધા સ્વર્ગ પ્હોંચે છે,પ્રભુ સાંભળ,
    મને ગમતી નથી બહુ ભીડ તેથી નર્ક મોકલજે.

    વાહ ! અથથી ઇતિ ખૂબ સરસ ગઝલ.

    Reply
  3. અશોક જાની 'આનંદ'

    વિષય તારો જ હો તો પણ ઉઠે સંદેહ જો મનમાં,
    કરું સંદેહ પર સંદેહ, એવો તર્ક મોકલજે… વાહ… આનું નામ ભરોસો,,,

    મસ્ત ગઝલ..!!

    Reply
  4. Kirtikant Purohit

    સન્મિત્ર સુરેશભાઇએ સરસ કાફિયાઓનો સહારો લઇ રચેલી સુંદર ગઝલ.
    વ્યથા જો ‘હું’ અને ‘તું’ની જ પલ્લે મુકવાની હો,
    સહજ બે ભાગમાં વ્હેંચાય એવું દર્દ મોકલજે.

    Reply

Leave a reply to અશોક જાની 'આનંદ' Cancel reply