હોવું સાર્થક કરીએ

હોવું સાર્થક કરીએ…
હોય તરસ તો વીરડા જેવું, કોઈને બસ જડીએ !

‘કંઈ નથી’ ના ભાર વગર પરપોટા જીવી જાણે,
ક્યાંય કશી ફરિયાદ વગર ફૂલ ઝાક્ળ ને પ્રમાણે….
વેળાસર ઝૂકવાના નુસખા, ઘાસ કનેથી શીખીએ !
ને, હોવું સાર્થક કરીએ…

તડકાને પીળા ઝુમ્મરથી પોંખી લે ગરમાળો ,
પારિજાતનો રાતને મળતો સધિયારો હૂંફાળો ,
જડ-ચેતન આ તત્વોના સૌ, સાર ને કાને ધરીએ !
ને, હોવું સાર્થક કરીએ…

શાખ નજરમાં આવે સૌ ને, મૂળ રહે અણદીઠાં ,
ભીતરના વૈભવથી અંતે ફળ આવે મધમીઠાં ,
તેજ-તમસમાં સાવ સહજ થઈ, ખીલવા જેવું ખરીએ !
ને, હોવું સાર્થક કરીએ…

– લક્ષ્મી ડોબરિયા

13 thoughts on “હોવું સાર્થક કરીએ

  1. અશોક જાની 'આનંદ'

    વાહ… અદભૂત અને લયબધ્ધ… શીખવું હોય તો આસપાસના વિશ્વ પાસેથી કેટલું શીખી શકાય
    એ લક્ષ્મીબેને સહજતાથી ગાતાં ગાતાં શીખવી દીધું..!!

    ખુબ ગમ્યું

    Reply
  2. sunilshah

    ને, હોવું સાર્થક કરીએ…
    હકારાત્મક ભાવ સાથેનું સુંદર લયબદ્ધ ગીત.
    મઝા પડી લક્ષ્મીબેન

    Reply
  3. Kirtikant Purohit

    તેજ-તમસમાં સાવ સહજ થઈ, ખીલવા જેવું ખરીએ

    સરસ અર્થસભર.

    Reply
  4. SARYU PARIKH

    લક્ષ્મીબહેન,
    વાહ! બહુ જ સરસ. દરેક રચના વાંચતા જ ગમી ગઈ.
    સરયૂ

    Reply
    1. લક્ષ્મી ડોબરિયા

      સરયુઅબેન,
      આપની લાગણી માટે આભાર અને આનંદ.

      Reply
  5. લક્ષ્મી ડોબરિયા

    અહિં મારા ગીતને સ્થાન આપવા બદલ આભાર અને આનંદ.
    પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરનારા સૌ ભાવકોની પણ આભારી છું.

    Reply

Leave a comment