Daily Archives: November 8, 2015

રુંવાડે-રુંવાડે

અનુભવ થયો આ રુંવાડે-રુંવાડે,
મને કોઇ જાણે ભીતરથી જગાડે.

સમય ખીણ થૈને ઊભો છે વચોવચ,
અને આપણે સામસામા પહાડે.

ખબર તો પડી ગૈ કે બ્હેરો છે ઇશ્વર,
પછી ખોટેખોટી શું બૂમો’ય પાડે !?

થવાનું છે એ તો થઈને જ રે’શે,
તું છાતી કૂટે કે તું માથા પછાડે.

સ્મરણ વાઢી નાખ્યું તમે મૂળમાંથી ?
અને એ’ય પાછું આ એક જ કૂહાડે ?

હ્રદય તૂટ્યુ છેને..? તો એ સાંધી લઇશું,
જરા અમથી વાતોમાં શું મોં બગાડે.

બધા માટે પાથરતું છાંયાની જાજમ,
કદી સાંભળ્યું “ના” કહી હોય ઝાડે ?

– જિગર જોષી ‘પ્રેમ’