ખાંખાંખોળા કરતાં થાકો પણ ક્યાં મળતો આખો માણસ,
ટુકડે ટુકડે જોડી સાંધો નજરે ચઢતો આખો માણસ.
હામ હરી દે ત્યાં સુધી તો આભે તારા વીણતો બાકી,
પડતો અથડાતો કુટાતો ઢાળે ઢળતો આખો માણસ.
સાલ મહિના દિવસો સુખના શમણાં જેવા સરી જતાં પણ,
તારીખિયાના પાને તાકી દુ:ખડા ગણાતો આખો માણસ.:
કચકચાવી બાંધો છો ને,તૃષ્ણા ક્યાં બાંધી બંધાતી,
કાંધે બેઠો અર્થી ઉપર ઉછળી પડતો આખો માણસ.
કાં અખિલાઇ ભૂત બનાવે કાં ભોળો ભગવાન બતાવે,
‘હાકલ’ પણ છે સૌના જેવો તૂટી બનતો આખો માણસ.
– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
Advertisements
વાહ મજાની મુસલસલ ગઝલ
કચકચાવી બાંધો છો ને,તૃષ્ણા ક્યાં બાંધી બંધાતી,
કાંધે બેઠો અર્થી ઉપર ઉછળી પડતો આખો માણસ… વાહ ખૂબ સુંદર અભિવ્યક્તિઓ…
ખૂબ સશક્ત ભાવની ગઝલ…
‘હાકલ’ પણ છે સૌના જેવો તૂટી બનતો આખો માણસ……waah….Pratapsinh….waah….
કચકચાવી બાંધો છો ને તૃષ્ણા કયાં બાંધી બંધાતી,
કાંધે બેઠો અર્થી ઉપર ઉછળી પડતો આખો માણસ.
લાંબી બહેરમાં સુંદર રચના.
આ ગઝલ “કુમાર”નાં તાજેતરના અંકમાં આવી છે અને તે હાકલ સાહેબ માટે
ગૌરવની વાત છે. સુંદર ગઝલ માટે તેમને દીલી અભિનંદન.