અંધાર વેચવો છે

ખાલી મકાનમાંથી અંધાર વેચવો છે,
ઉજ્જવળ કપાસ જેવો દમદાર વેચવો છે.

કોની હથેળીમાં છે એ મુલ્ય જોઉ છું હું,
બોલી કરે છે સાધુ સંસાર વેચવો છે.

એકેક રેખા ભુંસી દુનિયાને એક કરવી,
એવું જ કૈંક ધારી વેપાર વેચવો છે.

તેની દલીલ એવી ગ્રંથોય ગુંચવાતા,
ઇશ્વરની સામે માણસ ખુંખાર વેચવો છે.

કાગળથી શ્વેત બીજું શું હોય વસ્ત્ર બોલો,
મૃત્યુને શોભે એવો શણગાર વેચવો છે.

– નરેશ સોલંકી

7 thoughts on “અંધાર વેચવો છે

  1. અશોક જાની 'આનંદ'

    મત્લાથી લઈને મકતા સુધી.. ખૂબ સુંદર ગઝલ…

    મોજ આવી ગઈ

    Reply
  2. બ્રિજેશ પંચાલ 'મધુર'

    કાગળથી શ્વેત બીજું શું હોય વસ્ત્ર બોલો,
    મૃત્યુને શોભે એવો શણગાર વેચવો છે.
    sundar rchna……..

    Reply
  3. Dhruti Modi

    વાહ, સાંગોપાંગ સુંદર ગઝલ.

    તેની દલીલ એવી ગ્રંથોય ગુંચવાતા,
    ઈશ્વરની સામે માણસ ખૂંખાર વેચવો છે.

    Reply

Leave a reply to અશોક જાની 'આનંદ' Cancel reply