મઝા જેવું

ભરમના કાયદા જેવું,
કરી નહિ એ ખતા જેવું.

જીવન છે આગલી ક્ષણમાં,
મળે નહિ તે પતા જેવું.

ખજાનો ભોગવ્યો પણ નહિ,
અલાદીનની જફા જેવું.

દગો પણ એજ કરવાના,
શીખવતા જે વફા જેવું.

વિફલતા રોજની થઇ ગઈ,
પડી કોઠે દવા જેવું.

હરીફો વાહ જ્યાં ક્હેતા,
મળે ‘કીર્તિ’ મઝા જેવું.

– કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

આ જિન્દગી

ઈશ્વરી ઉપહાર છે આ જિન્દગી,
ગત જનમનો સાર છે આ જિન્દગી.

વેર ને નફરત એના દુશ્મન હશે,
સ્નેહ પારાવાર છે આ જિન્દગી.

દ્વેષ, ઈર્ષ્યા જો તમે ભૂલી શકો,
વાર ને તહેવાર છે આ જિન્દગી.

કોઈ જો તપ સમજીને એને જીવે,
તકલીફોને પાર છે આ જિન્દગી.

આ હવાની ‘આવ-જા’ને સો સલામ,
શ્વાસ ને ધબકાર છે આ જિન્દગી.

પૂર્ણમાંથી પૂર્ણ લઈને આવી છે,
દુન્યવી અવતાર છે આ જિન્દગી.

પ્રવીણ શાહ

એ કોણ છે?

આ જીતવાનું જે વચન આપી ગયુ, એ કોણ છે?
ઉત્સાહ રોમેરોમ થઈ વ્યાપી ગયું એ કોણ છે?

જે સ્પર્શ રોમાંચક થયો કેવળ નથી જો સ્પર્શ એ,
સંબંધ કેવળ હેતનો સ્થાપી ગયુ એ કોણ છે?

સીધું ગણે જે આ જગત ત્રાંસી નજરની ફાવટે,
એ વક્ર માનવદ્રષ્ટિને માપી ગયું એ કોણ છે?

જોયુ નથી જાણ્યું નથી, કદ, રૂપ એનું તે છતાં,
હોવાપણાની મહોરને છાપી ગયું એ કોણ છે?

‘હું શું કરું હું એકલો’ આળસ જમાદારી કરે,
ક્ષણ એકમાં નબળાઈને કાપી ગયું એ કોણ છે ?

– ગુણવંત વૈદ્ય

તો આવો

ઉમળકાની ઊની આંચે ઊકળવું હોય તો આવો,
કશું બોલ્યા વિના ચૂપચાપ બળવું હોય તો આવો.

છૂટા ક્યારેય ના પડવા જ મળવું હોય તો આવો,
નર્યા અજ્ઞાતમાં ચાલી નીકળવું હોય તો આવો.

મૂકીને માળિયામાં એ અધૂરી સર્વ ઈચ્છાઓ,
યુગોની માનતાની જેમ ફળવું હોય તો આવો.

ત્વચાને સ્પર્શવા દેવા નથી તડકા અને છાંયા,
તમસ ને તેજની વચ્ચે રઝળવું હોય તો આવો.

બધો અવકાશ અંદરનો ઘડીભરમાં ઉલેચીને,
પછી આ સામટું બ્રહ્માંડ ગળવું હોય તો આવો.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

અંધારુ પીગળીને

અંધારુ પીગળીને જીવતરમાં જો ઝમે છે,
તડકોય ધોળા દિવસે છુપાછુપી રમે છે.

આ ચંદ્ર પૂર્ણિમાનો સંતાઈ ક્યાં ગયો છે?
જાણે અમાસ માફક તારાઓ ટમટમે છે.

ડસતી રહે દ્વિધાઓ અવઢવના ન્હોર તીણા,
એકલતા કોરી ખાતી ક્યાં કોઈને ગમે છે..!!

જીવનની આ સફરમાં બસ એટલું છે નક્કી,
સૌને જ એ ગમે છે જે પ્રેમથી નમે છે.

ચારે દિશા ઉઘાડી, વાતો પવન અવિરત.
‘આનંદ’ ત્યાં ઉગે છે, અવસાદ આથમે છે.

– અશોક જાની ‘આનંદ’

બેલી !

આજ પથ્થરની અહલ્યા તાર બેલી !
જિંદગીનો કેટલો કકળાટ બેલી !

કૈક તૂટયા સ્વપ્નના આકાર બેલી !
આ હશે શું આયખાનો સાર બેલી ?

રોજ જ્યાં મારી વધે પરછાઈનું શું ?
માનતા રાખી, હવે તો તાર બેલી !

હાથ ખાલી ને સદા પાછી ફરું છું,
જાત મારીમાં વળું લાચાર બેલી !

તું જીવાડે મોતની કરવત અડાડી,
થૈ ગયા છે જડભરત આ શ્વાસ બેલી !

ને વળી ચીપ્યો ય કેવો તે ગંજીપો,
કે ઘડીકે ના મળી અહિ હાશ બેલી !

એક તો દીધી પછેડી સાવ ટુંકી,
ને ઉપરથી આ મધુરી રાત બેલી !

– નિશિ સિંહ

દ્વારની માફક

મને પહેરી લીધો એણે નવા શણગારની માફક,
ઉતારી પણ શકે કાલે જુના ઉતારની માફક.

હદય એનું બરાબર લોકશાહી રીતે ચાલે છે,
મને ઉથલાવી દીધો પાછલી સરકારની માફક.

ટકોરા ખાઇ ખાઇને ઘણું થાકી જવાયું છે,
રહું છું હું હવે કાયમ ઉઘાડા દ્વારની માફક.

છુપા પગલે તું આવીને મને હેરાન ના કરતી,
મુસીબત આવ સામે પણ, નવા પડકારની માફક.

તમારે મન ગઝલ કેવળ ગઝલ છે, હોય બીજું શું?
અમારે મન ગઝલ છે રક્તના સંચારની માફક.

હવે હું મ્યુઝિયમના એક ખૂણામાં શુશોભિત છું,
જમાનાએ મને ફેંકયો હતો ભંગારની માફક.

કિનારે જઇ નથી શકતો, જગા છોડી નથી શકતો,
મળી છે જિંદગી “સાગર” મને મઝધારની માફક.

– રાકેશ સગર ‘સાગર’