હાથ ધોવા છે

કહે છે શ્વાસ જેને એ હવાથી હાથ ધોવા છે,
તરસને ત્યાગવી છે, ઝાંઝવાથી હાથ ધોવા છે.

મને મારા તબીબે છેતર્યો છે જિંદગી આખી,
નથી માફક જે આવી એ દવાથી હાથ ધોવા છે.

બધા મંગળ-અમંગળ કોઇ લઇ ચાલ્યું ગયું છે તો,
હવે આ લાભ-શુભ ને શ્રી-સવાથી હાથ ધોવા છે.

હતા ઝળઝળિયા જૂના ત્યાં નવા નક્કોર આંસુ છે,
જૂનાથી ધોઇ છે આંખો , નવાથી હાથ ધોવા છે.

બધી રીતે જુઓ ગજ આપણો ટૂંકો પડ્યો ‘આતુર’,
હવે આ માપવા ને પામવાથી હાથ ધોવા છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

7 thoughts on “હાથ ધોવા છે

  1. Pravin Shah

    માપવા ને પામવાથી હાથ ધોવા છે…. yes these must be avoided…
    very nice…

    Reply
  2. Ragini Mangela, Udwada

    વાહ ! કયા બાત હૈ!
    મંગળ-અમંગળ કોઇ લઇ ચાલ્યું ગયું છે તો,
    હવે આ લાભ-શુભ ને શ્રી-સવાથી હાથ ધોવા છે.

    Reply
  3. Rakesh Thakkar, Vapi

    Mast Radif
    મને મારા તબીબે છેતર્યો છે જિંદગી આખી,
    નથી માફક જે આવી એ દવાથી હાથ ધોવા છે.

    Reply
  4. અશોક જાની 'આનંદ'

    મત્લાથી મકતા સુધી સાંગોપાંગ સુંદર ગઝલ….. !!

    દરેક શે’ર મનનીય

    Reply
  5. જૈમિન ઠક્કર 'પથિક'

    વાહ મજાની રદ્દીફમાં કહેવાયેલી આખી ગઝલ ઉમદા

    Reply
  6. Dhruti Modi.

    વાહ, વાહ અને વાહ….હજારો વાર વાહ…..

    હતા ઝળઝળિયા જૂના ત્યાં નવા નક્કોર આંસુ છે,
    જૂનથી ધોઈ છે આંખો, નવાથી હાથ ધોવા છે.

    કોઈ શેર નબળો છે કે સબળો છે એવું કહેવાની જરૂર જ નથી બધા જ શેર અફલાતૂન થયા છે. અભિનંદન શ્રી બાબુભાઈને.

    Reply
  7. Kishore Modi

    હાથ ધોવા છે રદીફ દ્વારા કેવી રીતે નવીન તરફ પ્રયાણ કરવું એ પ્રસ્તુત ગઝલમાં સમજાવ્યું છે ।

    Reply

Leave a comment