જીરવાતો નથી

ભાગ્યશ્રીબા વાઘેલા આમ તો અછાંદસ કવિતા લખે છે,
જેમાંની થોડી આપણે ‘આસ્વાદ’ પર માણી છે. આજે તેમણે
પ્રથમવાર ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે. જે ખરેખર દિલને
સ્પર્શી જાય તેવી થઇ છે. થોડા છંદદોષને ક્ષમ્ય ગણી તેમની
ગઝલ માણશો અને તેમને પ્રોત્સાહન આપશો. ગઝલ –

વરસાદ છે, પણ ખાલીપો જીરવાતો નથી,
કદીય ન ઉઘડતો મૌન દરિયો સહેવાતો નથી.

વાત ન કર ફરી ફરી તું એના આવવાની,
અટકળોનો બંધ દરવાજો જોવાતો નથી.

કૂણા તડકાની જેમ હવામાં ફેલાઇ જવાય,
શતરંજનો એકલાથી દાવ ખેલાતો નથી.

આમ કયાં સુધી મૂંગા શબ્દોનો ખાટલો ઢાળું ?
તારી બંધ આંખોનો સહરા ખેડાતો નથી.

ક્યાં સુધી હું જાતને ભીતર ધરબી રાખું,
પીડા ભરેલો છે માંહયલો, જીરવાતો નથી.

– વાઘેલા ભાગ્યશ્રીબા

Advertisements

જીવ્યો છું

ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટેઘૂંટે ચિક્કાર જીવ્યો છું!

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું!

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું!

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું!

– અમૃત ઘાયલ.

વાત છે

ક્યાં કશું પણ પામવાની વાત છે.?
મૂળ મનને ત્યાગવાની વાત છે.

શબ્દની ઢગલી કરી બેસી રહો,
ક્યાં કશુંયે બોલવાની વાત છે !

શ્વાસની ગંજી ઉપર બેઠા પછી,
બસ પલીતો ચાંપવાની વાત છે.

કેદ છે પંખી કલંદર કોમનું,
આભ ઓઢી ઊડવાની વાત છે.

આવ કાળીનાગનો કિસ્સો કહું,
એષણાઓ નાથવાની વાત છે.

ના વિચારો વાત, મૃત્યુ બાદની;
સ્વર્ગ નીચે લાવવાની વાત છે.

‘રાજ’ દુ:ખોનું કરીને તાપણું,
ભર-શિયાળે તાપવાની વાત છે.

– રાજેશ બ્રહ્મભટ્ટ ‘રાજ’

હકીકત

કોઈએ કહ્યું છે,
પણ હું તો એને ‘હકીકત’ જ માનું છે,
કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ધ્વનિ કણો
વાતાવરણમાં જન્મ લઈ અજર-અમર બની; બીજી વાર,
કોઈના મુખે વેશપલટો કરી પાછા આવવા તૈયાર થઈ જાય છે.
ને લ્યો તમને પાછો આના વિશે પ્રશ્ન થાય છે !?
ચિંતા ના કરો પૂરાવા વગર હું કોઈ દલીલ કરતો જ નથી-
તો આ રહ્યો હું માનું છું એ ‘હકીકતનો’ પાકો પૂરાવો –
શ્રીમદ્દ ભગવદ ગીતાનાં સાતમા અધ્યાયનો બીજો શ્લોક
જેમાં કૃષ્ણ કહે છે અર્જુનને –
“હું જે કહું છું એ વિજ્ઞાનસહિત સંપૂર્ણ જ્ઞાન છે,
જેના પછી સંસારમાં કંઈ જાણવા લાયક શેષ નથી રહેતું.”
આવી જ રીતે કિન્તુ થોડા જુદા અંદાજમાં
ચાણક્ય પોતાની ચાણક્ય-નીતિનાં પહેલા અધ્યાયનાં ત્રીજા શ્લોકમાં કહે છે,
“ હું અહીં લોક હિતાર્થે એટલે કે પ્રજાના કલ્યાણ અ‍ર્થે
રાજનીતિનાં એવાં રહસ્યો રજૂ કરીશ જેને જાણવાથી વ્યક્તિ
સર્વજ્ઞાની થઈ જશે.”
તમે કહો પ્રભુ મેં જેને ‘હકીકત’ કીધી એ સત્ય હોય તો જ આવું બને બાકી…
કાનો અને ચાણક્ય,
થોડું કંઈ વિચારે
એક જ જેવું!!!

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

સ્મિતની માછલી

તારા બે હોઠ વચ્ચે
તરફડતી
સ્મિતની માછલી તો
હમણાં જ મરી જશે
પાણી વગર,
અલબત્ત
તું ઇચ્છે તો
તારી આ માછલીને
તરતી મૂકી શકે છે
મારાં આંસુના વીરડામાં…!!

– મનસુખ લાખાણી

ક્ષણને ચાળું

ઉંઘ ન આવે ક્ષણને ચાળું,
ખુલ્લી આંખમાં શમણાં પાળું..!!

ક્યાં લગ અંધી દોટ મૂકું હું..?
ડાબલા પહેરી કોને ભાળું..!?

દોડ છતાં હું ત્યાંનો ત્યાં છું,
પગમાં ફિરકાઓનું જાળું.

મેં જ મને પૂર્યો છે જેલે,
અંદરથી વાખ્યું છે તાળું.

ઢાલ નથી ને બખ્તર પણ ક્યાં ?
કેમ કરી હું તીરો ખાળું..!?

અંદર ચોર છુપાયો તેથી,
દર્પણ જોવાનું હું ટાળું.

સાવ ઉધારે ‘આનંદ’ લેવા,
કજિયાનું મ્હોં કરવું કાળું.

– અશોક જાની ‘આનંદ’

તો કહું

તું જરા મુજને સતાવે તો કહું,
ને તને પણ એમ ફાવે તો કહું.

ક્યાંક તારામાં થયો છું ગુમ અહીં,
તું મને મુજ થી મળાવે તો કહું.

દૂરથી ના પૂછ તું મારી ખબર,
રૂ-બ-રૂ પાસે તું આવે તો કહું.

મેં લખ્યાં ગીતો મધુરા સ્મિતથી,
તારા હોઠો પર સજાવે તો કહું.

રીસ તારાથી મને છે કેટલી !
તું જરા મુજ ને મનાવે તો કહું.

‘હા’ કે ‘ના’ જેવું કશું હોતું નથી,
તું ફકત પાંપણ ઝુકાવે તો કહું.

છે ઉઘાડી મુજ હકીકતની કિતાબ,
તારા વિશે તું જણાવે તો કહું.

ક્યાં સુધી છે વિસ્તરેલું આ ગગન ?
તું મને તુજમાં સમાવે તો કહું.

તારી આંખોમાં ડૂબ્યો હું કઇ રીતે?
તું મને સહસા બચાવે તો કહું.

કઇ રીતે પ્રગટી શકે છે રોશની ?
‘હું’-‘તું’ નું વળગણ જલાવે તો કહું.

– પરશુરામ ચૌહાણ