ઝળહળી હશે

રાતે કતાર સપનાંની નીકળી હશે,
એકાંતમાં તું એ રીતે તો છળી હશે,

પર્વત ધરે કે હોઠો પર વાંસળી મૂકે,
ક્યારેક, ક્યાંક ચર્ચાઈ આંગળી હશે?!

તાજા ગુલાબને જોયું ને ત્યાં તો શક્ય છે,
ચૂંટવા હૃદયની ઈચ્છાઓ સળવળી હશે.

સામેથી આપ મળવા આવ્યાં ! થયું મને,
એકાદ હસ્તરેખા સાચ્ચે ફળી હશે.

થોડી ઘણી પીગળતી ગઈ લાગણી સહજ,
ત્યારે જ તો ગઝલ મારી ઝળહળી હશે !

કાગળ અજાણ કહે છે મારી જ વારતા,
લખનારે જિંદગીને ક્યાં સાંભળી હશે?!

રસ્તે ધરાર પણ અટક્યો ના ‘પથિક’ હું તો,
મંઝિલ સુધી ઘણીયે ઠોકર મળી હશે !

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements