સમજાય ના

 

હોય તે દેખાય ના, દેખાય પણ સમજાય ના;
કોઈ દિવસ જિંદગી, તારો ભરોસો થાય ના.

ક્યાં કરું? કોને કરું? ફરિયાદ તારી તું કહે,
ને કરું ફરિયાદ તો પણ સ્હેજ તું શરમાય ના .

આમ પણ નારાજ થઈને ક્યાં જઉં હું એ કહે..!
હું ભલે રિસાઉં પણ તું તો કદી રિસાય ના.

કેટલીયે વાર ઝડપ્યો છે મને તેં ઉંઘતા,
પણ તું સાલી કોઈ દ્હાડો ઉંઘતી ઝડપાય ના.

હું વટાવી લેવાના કરતો પ્રયાસો કેટલા,
ધીટ તું એવી નકામી કોઈ દી’ વપરાય ના .

હર વળાંકે કેટલાં આશ્ચર્ય લઈ ઊભી રહે.
સાવ દેખાતી સરળ તું કોઈથી પકડાય ના.

એટલે નક્કી કર્યું છે મોજ કરશું સાથમાં,
હુંય ના અટવાઉં ઝાઝો તુંય તે અટવાય ના.

એક દી’ છટકી જશે ‘આનંદ’ તારા હાથથી,
મોત લઈ જાશે મને તારાથી કંઈ પણ થાય ના.

– અશોક જાની ‘આનંદ’

Advertisements