અમે

ખખડી રહેલા દ્રારથી વળગણ વળાવીશું અમે,
કોલાહલોનાં કારસા જળમાં વહાવીશું અમે.

આ કોણ ઊગ્યું વૃક્ષમાં કંઇ વાયરા કહેતા નથી,
પૂછે હવે જો કોઇ તો ઇશ્વર બતાવીશું અમે.

કાંઠે ઊભો છું ક્યારનો મોજું બનીને આવજો,
એકાદ પળની વાત છે ખળખળ મઢાવીશું અમે.

પડઘા વગર દીવાલથી ખરતું રહ્યું છે વહાલ તો,
સંવાદની બારાખડી ઘરને ભણાવીશું અમે.

આવો તમે જો સાથમાં મંઝિલ વગરનાં માર્ગ પર,
પગલું તમે જો પાડશો ડગલા ભરાવીશું અમે.

– ગૌરાંગ ઠાકર

Advertisements