યાદ લઈને નીકળ્યો

મીઠી મીઠી યાદ લઈને નીકળ્યો,
કાયમી ફરિયાદ લઇને નીકળ્યો.

પ્રેમ ભીની લઇ ગઝલ આવો તમે,
હું હ્રદયની દાદ લઇને નીકળ્યો.

આ જગત કેવળ બધીરોનું હતું,
ને જુઓ હું સાદ લઈને નીકળ્યો.

કોણ એના જેટલું સુંદર હશે ?
હાથમાં હું ચાંદ લઈને નીકળ્યો.

કોણ કાનો, ક્યાં છે ગોકુલ, શું ખબર,
વાંસળીના નાદ લઈને નીકળ્યો.

રાકેશ ઠક્કર  

Advertisements