ચોમાસું બેઠું

વાદળને ઠેસ એક વાગી કે ચોમાસું બેઠું.
એક વીજળી સફાળી જાગી કે ચોમાસું બેઠું.

શીત લહર સુસવાટા મારે,
મનને શ્યામલ મેઘ ડરાવે,
ઝરમર વરસે થઇ અનુરાગી કે ચોમાસું બેઠું.

જ્યાં જુઓ ત્યાં પાણી પાણી,
છલક્યા સરવર તળાવ જાણી,
નદીઓ ઉભે પગે જો ભાગી કે ચોમાસું બેઠું.

આમ થયા છે ભીનાં લથબથ,
તોય રહ્યાં એ કોરા લગભગ,
એક છત્રી જો કોઇએ માંગી કે ચોમાસું બેઠું.

મેઘ-ફૂલ ખીલ્યાં આકાશે,
મ્હેક એની પહોંચી અવકાશે,
વૈરાગી હોય થયા રાગી કે ચોમાસું બેઠું.

દર્શન ઘેલી આંખો તરસે,
મેઘા અનરાધારે વરસે,
એક લગન જો એની લાગી કે ચોમાસું બેઠું.

પ્રવીણ શાહ

Advertisements