મને શબ્દો જીવાડે

તેગની ટોચે મને શબ્દો જીવાડે,
કોઇ પણ ભોગે મને શબ્દો જીવાડે.

કોઇ મારા માંહ્યલામાં રેડતું એ,
મૌનના જોરે મને શબ્દો જીવાડે.

શુષ્કતાને કૂંપળો ફૂટ્યા કરે ને,
ડાળના છોગે મને શબ્દો જીવાડે.

શૂન્યના મેરુશિખર પર ધ્યાન જ્યારે,
ઊર્ધ્વ આરોહે , મને શબ્દો જીવાડે.

ગુપ્ત રાખે મારા મૃત્યુનાં રહસ્યો,
ભેદ ના ખોલે , મને શબ્દો જીવાડે.

હું કરું ‘આતુર’ સદા મિથ્યા પ્રલાપો,
ને ગઝલ ઓથે મને શબ્દો જીવાડે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

Advertisements