હતું તો હતું

ઉદાસીનું મંજર હતું તો હતું,
અને ખાલી સરવર હતું તો હતું.

ધજા ધોળી ફરકાવી શસ્ત્રો મૂક્યાં,
કદી યુધ્ધ ભીતર હતું તો હતું.

વિવશતા ઝરૂખાને બાઝી પડી,
નયન અશ્રુથી તર હતું તો હતું.

ભલે આજ ખંડેર દેખાય છે,
અહીં આપણું ઘર હતું તો હતું.

સમયને અમે સાચવી ના શક્યા,
મુકદ્દર સમયસર હતું તો હતું.

હવે સાવ વેરાન વેરાન છે,
હ્રદય પ્રેમથી તર હતું તો હતું.

છે ગુણધર્મ ‘નાદાન’ મહેકી જશે,
એનું હોવું અત્તર હતું તો હતું.

– દિનેશ ડોંગરે ‘નાદાન’

Advertisements