આજ, દેજો વરસાદ

આજ મારા ગામને દેજો વરસાદ
આકુળ ને વ્યાકુળ છે દિવસ ને રાત
આજ મારા ગામને દેજો વરસાદ…

કોઈ કહે આજ આવે કોઈ કહે કાલ
અહીં તો કોરી ગઈ સાલોની સાલ
આજ તો જોશીડા વરતારા નાખ
આજ મારા ગામને દેજો વરસાદ…

ના ખાવાને ધાન ના પીવાને પાણી
આવી છે હર કોઈ ઘરની કહાણી,
તાજી ના મળશે અહીં ચૂલામાં રાખ
આજ મારા ગામને દેજો વરસાદ…

ડમરીઓ ધૂળની ને ઊની ઊની લાય
આકરો છે તડકો ને નેજવાની છાંય
મૂંગા તરુવર કરશે કોને ફરિયાદ
આજ મારા ગામને દેજો વરસાદ…

રસ્તા સૂમસામ ને સૂની છે કેડીઓ
ખાલી પરસાળ ને ખાલી છે મેડીઓ
તૂટ્યા છે તાર ને ખૂટ્યા સંવાદ
આજ મારા ગામને દેજો વરસાદ…

એટલું તો કહો તમે માનશો ક્યારે
જીવન અમને પાછું આપશો ક્યારે
આજે તો નાખી દો ઝાપટું એકાદ
આજ મારા ગામને દેજો વરસાદ…

પ્રવીણ શાહ

7 thoughts on “આજ, દેજો વરસાદ

  1. Rakesh Thakkar, Vapi

    Very nice
    કોઈ કહે આજ આવે કોઈ કહે કાલ
    અહીં તો કોરી ગઈ સાલોની સાલ
    આજ તો જોશીડા વરતારા નાખ
    આજ મારા ગામને દેજો વરસાદ…

    Reply
  2. Dhruti Modi.

    અલ્લા પાની દે, મેઘ દે, પાની દે….

    ગરમીથી ત્રાસેલો માનવી વરસાદ સમય પાર કરી જાય તો વરસાદને મનાવે છે. આ ગીતમાં એ જ વાત છે, ગામના માટે સમસ્તી માટે મેઘને અરજ કરવી. સરસ ગીત.

    Reply
  3. Ashok Jani

    મજાનું વરસાદી અવસાદનું ગીત…. !!

    ટૂંકી બહેરની પ્રથા ગીતમાં પણ જાળવી રાખી છે…

    દરેક બંધ અસરકારક નીવડ્યા છે… અભિનંદન પ્રવીણભાઈ… !!

    Reply

Leave a reply to himanshupatel555 Cancel reply