મ્યાન થયું છે

સાવ સહજ બસ ધ્યાન થયું છે,
મારું હોવું મ્યાન થયું છે.

ધૂળ હતી ત્યાં ધાન થયું છે,
મન ભીનું કંતાન થયું છે.

લીધું નહિ ને લ્હાણી આવી,
દીધું નહિ ને દાન થયું છે.

ગૂગળનો ગોરંભો ગાજ્યો,
લખલખતું લોબાન થયું છે.

ધોળી-ધોળી વાછટ વચ્ચે,
ભગવું-ભગવું ભાન થયું છે.

જીવલો ભડભડ-ભડભડ બળતો,
ભીતરમાં સમશાન થયું છે.

‘નિનાદ’ કેવો જોગ થયો છે,
મૃત્યુ પણ વરદાન થયું છે !

– નિનાદ અધ્યારુ

Advertisements