તો વાંક કોનો ?

શક્યતા જોઈ જરા દોડાય નહીં, તો વાંક કોનો?
એક તક તારાથી જો ઝડપાય નહીં, તો વાંક કોનો?

બારીએથી તું જુએ કે દ્વાર ખખડાવે છે સુખ, તોય –
બારણાંને ખોલવા તું જાય નહીં, તો વાંક કોનો?

રૂપરેખા જિંદગીની ખતમાં ઈશ્વર મોકલે પણ,
એ જ પરબીડિયું કદી ખોલાય નહીં, તો વાંક કોનો?

આયનાને એકધાર્યો હું સહજ જોયા કરું ને,
ખુદનો ચહેરો સહેજ પણ વંચાય નહીં, તો વાંક કોનો?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો,
આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

ખુદને તું કહે છે ‘પથિક’, ને ભીડ વચ્ચે તું જ ચાલે!,
આગવો ચીલો અગર ચીતરાય નહીં, તો વાંક કોનો?

-જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements