દરવાજે

દોસ્ત, તાળું ન વાસ દરવાજે;
આવશે કોઇ ખાસ દરવાજે.

મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે;
હોય છો ને અમાસ દરવાજે.

કેમ ભડકે બળી ગયો ઉંબર;
જઇને પગલાં તપાસ દરવાજે.

એ હવાથી ન આમ ખૂલી જાય;
એ હશે આસપાસ દરવાજે.

વાટ જોતાં ખડેપગે છે બેઉ;
વ્રુદ્ધ આંખોના શ્વાસ દરવાજે.

– યોગેન્દુ જોષી ‘યોગ’

Advertisements