ક્યાં છે?

ભરઉનાળે રહે છલોછલ એ સરોવર ક્યાં છે?
ગામ કહેતાં ગર્વ લેતું એ ધરોહર ક્યાં છે?

આંખ છે, ક્યારેક ઉંચી થાય બંને વચ્ચે-
તો ય ઘરમાં પ્રેમથી રહેતા સહોદર ક્યાં છે?

યૌવનો કરતાં અડપલું સહેજ મસ્તી ચડતાં,
વાત જ્યાં છુપાઈ રહે એવા વૃકોદર ક્યાં છે?

ચોતરફ કર્કશ અવાજો ને તરજ તરડેલી,
કુંજ લહરી, મ્હોર મંજરી સુર મનોહર ક્યાં છે?

ટેરવા પર જ્ઞાન ટેકો શબ્દનો લઇ બેઠું,
પ્રશ્ન ચકરાવે ચડાવે એ અગોચર ક્યાં છે?

ખેડુ ફાલ્યાં દેશથી પરદેશના આંગણમાં,
હળ-બળદનાં ખેડથી રોપ્યાં ચરોતર ક્યાં છે?

‘કીર્તિ’ને ચલણી ગણીને વાપરે ગઝલોમાં,
અર્થ ગોઠે શબ્દને એવા બરોબર ક્યાં છે?

કીર્તિકાન્ત પુરોહિત

Advertisements