માધવને જઈ કોઈ કહેજો

માધવને જઈ કોઈ કહેજો કે એક વાર બોલાવે ગોકુળની નાર,
આંખલડી ચોરીને ભાગ્યા તે ભાગ્યા રે ભાગ્યા છો યમુનાને પાર.

મહીં-માખણ અહીં સૂનાં પડ્યાં, અરે, સૂનમૂન છે લાગણીનાં પૂર,
બંસીના નાદ નથી, કોઈને ભાન નથી, મૂંગા પડ્યાં નૂપુર.
એવું તે મથુરામાં શુંય જડ્યું કે જેની તોલે ના આવું હું લગાર?
માધવને જઈ કોઈ કહેજો કે એક વાર બોલાવે ગોકુળની નાર………માધવને જઈ

ગોકુળની શેરીઓ સૂની પડી ને હીબકે ચઢ્યું છે આખું ગામ,
હૈયે ને હોઠે નિશ દિન રમતું રહે છે કાન્હાનું – વ્હાલાનું નામ.
આવીને એક વાર રાસે રમો, બેઠો છે ઘેલો શ્રાવણિયો ચોધાર.
માધવને જઈ કોઈ કહેજો કે એક વાર બોલાવે ગોકુળની નાર………માધવને જઈ

– દિનેશ દેસાઈ

Advertisements

આખો

ચહેરો જો જિંદગીનો દેખાઈ જાય આખો,
તો મોત બાજુ માણસ ખેંચાઈ જાય આખો.

હો પ્રેમમાં તો માણસ વરતાઈ જાય આખો,
વાદળને જોઈ માણસ ભીંજાઇ જાય આખો.

તારા ગયા પછીનો છે આ દુકાળ સાંભળ ,
ફોટો ગુલાબનો પણ કરમાઈ જાય આખો.

તો શું થયું તૂટી ગઈ કસમો શરાબ અંગે,
વરસાદમાં તો રસ્તો ધોવાઇ જાય આખો.

છે વીસમી પછીના દિવસો ઘણાંજ કપરા
નાનો પગાર આમાં ખરચાઇ જાય આખો

– ભાવિન ગોપાણી

છે મારામાં

ઢંગ અલબત્ત જુદો છે મારામાં,
પ્રેમ લીલો પૂરો છે મારામાં.

દશદિશા મૌનવ્રત સમાધિમાં,
ગૂઢ રસ્તો ભૂરો છે મારામાં.

એક ઈશ્વરના વૃત્ત નથી મળતા,
કોઈ નામે રૂડો છે મારામાં.

સાહ્યબી ઈંદ્રથી વધારે છે,
ચાંદનીનો ઝૂલો છે મારામાં.

જગ ‘કિશોર’ લેશમાત્ર જાણ્યું નહિ,
હયાતી નવ્ય સૂરો છે મારામાં.

– ડો. કિશોર મોદી

કારણ હશે

કોઈ તો કારણ હશે,
મન ઉપર ભારણ હશે.

આટલી ચર્ચા પછી,
કંઈક તો તારણ હશે.!

કેમ તૂટી મિત્રતા??
તકલાદી ઝારણ હશે.

છે કથા તો આમ પણ,
નર હશે, નારણ હશે.

જપ હશે, માળા હશે,
નામ ઉચ્ચારણ હશે.

આપણે મન જીવદયા,
સિંહને મન મારણ હશે.

વિશ્વમાં ‘આનંદ’નું,
એક બંધારણ હશે.

-અશોક જાની ‘આનંદ’

જાનુડી

પ્રેમની આનબાન જાનુડી,
મારી ગઝલની શાન જાનુડી.

રૂપની એની છટા છે નોખી,
છે જરા ભીનેવાન જાનુડી.

એની નવરંગ ચુંદડી લહેરે,
ને ખૂલે આસમાન જાનુડી.

કોઈપણ રસ્તે હોય જાવાનું,
આવે એનું મકાન જાનુડી.

એના હાથોમાં છે મસીહાઈ,
ફૂંકે મડદામાં જાન જાનુડી.

‘મીર’ ગઝલો લખે છે રસભીની,
છે હવે મહેરબાન જાનુડી.

– રશીદ મીર

પારખાં કર્યાં

મારા ને એના બેઉનાં મેં પારખાં કર્યાં,
પથ્થર મળ્યા તો ઊભા રહી, ચાંદલા કર્યા.

બાજુના ઘરને આવી જરા અમથી હેડકી,
મારા ઘરે ય રાતભર ઉજાગરા કર્યા.

સામે તમે મળ્યાં, ને સમાધાન થઇ ગયું,
આંખોએ આંસુઓના હાથે પારણાં કર્યા.

સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે,
બાળકને દઇ રમકડાં, ઘરે આવતાં કર્યા.

પ્રગટી ગઇ જે પીડ તે પસ્તી થઇ ગઇ,
અંદર રહી ગઈ તો એણે લાખનાં કર્યા.

જ્ઞાનીઓ જે જગાને નરી બિનનિપજ કહે,
કુંભારે તે જ માટીમાંથી માટલાં કર્યા.

– સ્નેહી પરમાર

દોડવાનો ક્યાં હતો!

સુર્ય પાછળ દોડવાનો ક્યાં હતો!
મારી આગળ એ થવાનો ક્યાં હતો!

માંગવા દોને સતત એની કને,
એ તરત કંઇ આપવાનો ક્યાં હતો!

પ્રશ્ન પાછળ ક્યારનો છૂટી ગયો,
શોધવા ઉત્તર જવાનો ક્યાં હતો!

આ સમય કાયમ રમે સઘળી રમત,
એટલે હું હારવાનો ક્યાં હતો!

જિંદગી સાથે લડી લેવું ‘નફસ’
મોતને હું તાગવાનો ક્યાં હતો!

– નરેન્દ્ર મકવાણા ‘નફસ’