રાખું છું

સૌની સાથે લગાવ રાખું છું,
ચાહવાનો સ્વભાવ રાખું છું.

હું ગગનમાં પ્રસારું છું પાંખો,
પણ, ધરા પર પડાવ રાખું છું.

હાર સ્વીકારતા શીખી લીધું,
મન ઉપર કયાં દબાવ રાખું છું?

યશ મળે કે મળે મને અપયશ,
એક સરખો પ્રભાવ રાખું છું.

દિલ ઉપર બીજું કાંઇ શોભે ના,
હું જખમનો ઉઠાવ રાખું છું.

મૂળ માફક વધુ છું ભીતરમાં ,
માટી સાથે નિભાવ રાખું છું.

હું, ઉપરથી ભલે રહ્યો “સાગર”
ભીતરે મીઠી વાવ રાખું છું.

– રાકેશ સગર; સાગર

Advertisements