ફાંસી દઈ દઉં

બાળપણાની ઘટનાઓને ફાંસી દઈ દઉં,
મારી સઘળી ઇચ્છાઓને ફાંસી દઈ દઉં.

ચાલું છું પણ મંઝિલ ક્યાં આવે છે કોઈ?
થાય છે મનમાં રસ્તાઓને ફાંસી દઈ દઉં!

પંખે લટકી લટકી મરનારાને જોઈ;
મન ઇચ્છે છે પંખાઓને ફાંસી દઈ દઉં.

મોજાંઓ પણ કાંઠે આવી દમ તોડે છે,
દરિયાને થ્યું કાંઠાઓને ફાંસી દઈ દઉં.

ઠોકર ખવડાવી તારી એ યાદ આપે છે,
શાને એવા પાણાઓને ફાંસી દઈ દઉં?

ખોટા ખોટા વચનો આપ્યા તો ઇચ્છા થઈ;
તારી જુઠ્ઠી વાચાઓને ફાંસી દઈ દઉં.

કોલાહલમાં પગરવ સાંભળવાની કોશિશ;
એકલતામાં પડઘાઓને ફાંસી દઈ દઉં.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

Advertisements