રીત બદલી છે

જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે,
તમે ખંજર ભલે બદલ્યાં અમે ક્યાં પીઠ બદલી છે?

બિકારા આયનાને દોષ દેવાનું હવે છોડો,
તમારાથી કરી નફરત કદી ક્યાં ભીંત બદલી છે?

ઘણાની પ્રાર્થનામાં દંભનાં દર્શન થયા તેથી,
પ્રભુએ માનવીને માપવાની મીટ બદલી છે.

ગઝલ સારી હશે તો પણ નથી એ દાદ દેવાના,
હજી ક્યાં શાયરોએ એમની તાસીર બદલી છે?

હવે છેલ્લી ઘડી છે એમ સમજી શ્વાસ ના ગણતા,
વિધાતાએ ‘સુમન’ના મોતની તારીખ બદલી છે.

– મનહર ગોહેલ ‘સુમન’

Advertisements