ખ્વાબ આવે !

કોઈ રીતે ક્યાં એમનો કોઈ જવાબ આવે?,
ના પત્ર આવે કે કદી પણ ના ગુલાબ આવે !

ઘેરી વળ્યો છે ભાગ્ય પર અંધાર રાત જેવો,
જોઈ રહ્યો છું રાહ, ક્યારે આફતાબ આવે?

કીધા છે મેં કંઈ વાર ગુના લાગણીના, શું કહું?
માગો તમે, પણ યાદ ક્યાં કોઈ હિસાબ આવે?

હદથી વધી જાયે ખુશી યા ગમ, પછી છે સંભવ,
કાબૂ ન રહે ને, હાથમાં ત્યારે શરાબ આવે !

ખુદની સમસ્યા હોય ને શોધો ઉકેલ બીજે?!,
થઈને નિવારણ, શક્ય છે, જીવન કિતાબ આવે !

ચહેરો ગમે તે લઈ ફરો દુનિયામાં ચાલશે, પણ
ખુદને મળો ત્યાં કામ શું એકેય નકાબ આવે?!

પહોંચી ગયો છું હું સફળતાની કઈ હદે જો,
કાયમ ‘પથિક’, રાતે મને એવાં જ ખ્વાબ આવે !

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements