કઠિન આવ-જા છે અંદર

કઠિન આવ-જા છે અંદર,
કૈં ઉતાર-ચડાવ છે અંદર !

એકવાર જશો તો રહી પડશો,
મનગમતા પડાવ છે અંદર !

મોજ નથી ખાલી બાહર કૈં,
અંદરનોય લ્હાવ છે અંદર !

જખ્મો સૌ ઝીલી લેવા કાજ,
મહામૂલો બચાવ છે અંદર !

બાહર તો છે આકાર બધો,
ઘાટ તણો સ્વભાવ છે અંદર !

જીવન-ફેરો વસૂલ ‘સુધીર’,
જેને પણ લગાવ છે અંદર !

– સુધીર પટેલ

સૌજન્ય- એફ. બી.   

Advertisements

દર્દ મોકલજે

જો તારાથી બને, તો શબ્દનો નિષ્ક્રર્ષ મોકલજે,
ફુલો મુરઝાઈ જાશે, તું મને બસ અર્ક મોકલજે.

વ્યથા જો ‘હું’ અને ‘તું’ની જ પલ્લે મુકવાની હો,
સહજ બે ભાગમાં વ્હેંચાય એવું દર્દ મોકલજે.

વિષય તારો જ હો તો પણ ઉઠે સંદેહ જો મનમાં,
કરું સંદેહ પર સંદેહ, એવો તર્ક મોકલજે.

બધાં મરનાર સીધા સ્વર્ગ પ્હોંચે છે, પ્રભુ સાંભળ,
મને ગમતી નથી બહુ ભીડ તેથી નર્ક મોકલજે.

કદી ઘેરી વળે જો ‘સૂર’ને મહેફિલમાં ઉદાસી,
પ્રસારે રોમે રોમે હર્ષ એવી તર્જ મોકલજે.

સુરેશ પરમાર ‘સૂર’  

સૌજન્ય- એફ. બી.   

પાછાં ફરે છે કે ?

રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે ?

તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?

ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?

નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

જાતુષ જોશી

સૌજન્ય- એફ. બી.   

 

અખો

અખા ભગત મુખ્યત્વે અખો (આશરે ૧૬૧૫ – ૧૬૭૪) ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.

જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

(સૌજન્ય- વિકિપીડિયા)

નરસિંહ મહેતા

આદ્ય કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો. તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

(સૌજન્ય- વિકિપીડિયા)

 

 

 

રાતનું આકાશ

રાતનું આકાશ મારા હાથમાં,
ચાંદ રમશે રાસ મારા હાથમાં.

એટલે હસતો રહું છું હું સતત,
એક દર્પણ ખાસ મારા હાથમાં.

ફૂલ પર શબનમ બની મહેકી રહ્યા,
સ્પર્શના એહસાસ મારા હાથમાં.

સો છલકતા જામ પણ ઓછા પડે,
છે દીવાની પ્યાસ મારા હાથમાં.

ભાગ્ય આવી હાથમાં, છટકી જશે,
છે મને વિશ્વાસ મારા હાથમાં.

પ્રવીણ શાહ